બોટ
પલટી જતાં ગુમ થઈ ગયા હતા
કચ્છ,
તા.2 : પાકિસ્તાનની સરહદે આવેલા કચ્છના લખપત તાલુકાના મુધાન નજીક ખાડી વિસ્તારનો સર્વે
કરી રહેલા ખાનગી કંપની જીએચસીએલના ત્રણ કર્મચારી મોડી રાત્રે ખાડી વિસ્તારમાં બોટ પલટી
જતાં ગુમ થઈ ગયા હતા. બીએસએફ અને પોલીસ સહિતની એજન્સીઓ દ્વારા 16 કલાકની શોધખોળ બાદ
આંતરરાષ્ટ્રીય સરહદ નજીક પિલર નંબર 1170 પાસે ત્રણેય કર્મચારીઓ સુરક્ષિત મળી આવ્યા
હતા. જેનાથી એજન્સીઓ અને કંપનીના અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો છે.
મુધાન
અને હાજીપીરના સરહદી વિસ્તારોમાં પાણીનાં સ્તરનો સર્વે કરી રહેલા જીએચસીએલ એન્જિનિયર
કરણાસિંહ ઋતુરાજાસિંહ જાડેજા, સર્વેયર રવીન્દ્ર કાલુરામજી ખૈરેતિયા અને ઓપરેટર આદર્શકુમાર
લાલપ્રસાદ શુક્રવારે સર્વે બાદ પાણીનાં સ્તર માપવા માટે આટપાટા ખાડી વિસ્તારમાં ગયા
હતા. દરમિયાન મોડી રાત્રે તેમની બોટ અચાનક પલટી ગઈ અને આ ત્રણ કર્મચારીનો કંપનીના અધિકારીઓ
સાથેનો સંપર્ક તૂટી ગયો. કંપનીના અધિકારીઓએ તાત્કાલિક બીએસએફ, પોલીસ અને જિલ્લા કલેક્ટરનું
ધ્યાન દોર્યું. વિવિધ એજન્સીઓ પણ એક્શનમાં આવી ગઈ અને શનિવાર સવારથી જ આ ત્રણ કર્મચારીઓની
શોધ શરૂ કરી દેવામાં આવી.
શોધખોળ
દરમિયાન બીએસએફ જવાનોએ ગુમ થયેલા ત્રણેય કર્મચારીને પિલર નંબર 1170 નજીક આટપાટા ક્રીક
વિસ્તારમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢયા. બીજી તરફ, આ ત્રણ કર્મચારીઓના સુરક્ષિત સ્વસ્થ
થયા બાદ બીએસએફ જવાનો, પોલીસ અને કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત લોકોએ રાહતનો
શ્વાસ લીધો હતો.