બેંકમાંથી
રક્મ ઉપાડીને જતા હતા ત્યારે રોકડ ભરેલી થેલી તફડાવી તસ્કર ફરાર
ધ્રોલ,
તા.21: ધ્રોલના નિવૃત્ત બેંકમાંથી દોઢ લાખની રકમ લઇને બહાર નીકળતાં તસ્કરનો શિકાર બન્યા
હતા. તેમણે બાઇકના હુકમાં ટીંગાડેલી રોકડ ભરેલી થેલીની ચોરી થઇ હતી.
ધ્રોલ
તાલુકાના ખારવા ગામમાં રહેતા અને અગાઉ શિક્ષક તરીકે નોકરી કરીને નિવૃત્ત થયેલા તેમજ
હાલ ખેતી કામ સંભાળતા હંસરાજભાઇ ઘેટીયા (ઉ.વ.71) પોતાના ખાતામાં રહેલી દોઢ લાખની રોકડ
રકમ ખેતીના કામમાં ઉપયોગમાં લેવા માટે ધ્રોલની બેંક ઓફ બરોડાની બ્રાંચમાં આવ્યા હતા.
ગઇકાલે સવારે 10-30 વાગ્યાના અરસામાં બેંકમાંથી રૂપિયા દોઢ લાખની રકમ ઉપાડીને તેણે
એક પર્સમાં રાખીને થેલીમાં મુકી દીધી હતી, જે થેલી તેણે પોતાના બાઇકના પાછળના હુકમાં
ટીંગાડી હતી અને બાઇક પર બેસીને તેઓ ઘેર પરત ફરી રહ્યા હતા. જે દરમિયાનમાં પાછળથી તેની
થેલી એકાએક ગુમ થઇ હતી અને પોતાની રોકડ રકમ ચોરાઇ ગઇ હોવાનું ધ્યાનમાં આવતા દેકારો
કરી મૂકયો હતો. પોતાના પુત્ર વગેરેને ધ્રોલ બોલાવી લીધા બાદ આખરે મામલો ધ્રોલ પોલીસ
મથકમાં લઇ જવાયો હતો અને અજાણ્યા તસ્કર સામે પોતાના રૂપિયા દોઢ લાખની રોકડ રકમ ચોરી
જવા અંગેની ફરિયાદ નોંધાવી હતી. બનાવના પગલે પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ હાથ
ધરી છે.