કેમિકલનો મોટો જથ્થો જપ્ત કરાયો, એસઓજીના પર્દાફાશ બાદ પીજીવીસીએલ, જીપીસીબી, તોલમાપ અને ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે પણ તપાસમાં ઝંપલાવ્યું
વેરાવળ, તા.22 : વેરાવળ તાલુકાના બોળાશની સીમમાં નોંધણી વગર ધમધમતી કેમિકલ ફેક્ટરી ઝડપી પાડી એસઓજીના સ્ટાફે પર્દાફાશ કર્યો છે. આ ફેક્ટરીમાંથી મોટી માત્રામાં કેમિકલનો જથ્થો જપ્ત કરવાની સાથે આગળની તપાસ હાથ ધરી છે. આ તપાસમાં સરકારના અન્ય સંબંધિત વિભાગોએ પણ ઝંપલાવ્યું છે.
એસઓજી પીઆઈ સહિતનો સ્ટાફ વેરાવળના ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. દરમિયાન વેરાવળ તાલુકાના બોળાશ ગામના લક્ષ્મીવાવ સીમ વિસ્તારમાંથી નોંધણી વગર ધમધમતી ઓ-રીઅલ નામની કેમિકલ બનાવતી બોગસ ફેક્ટરી પકડી પાડી પર્દાફાશ કર્યો હતો. ફેક્ટરીનો સંચાલક ભાવેશ ઉર્ફે ભરત બાબુભાઈ જેઠવા (રહે. મેઘપુર) બિલ વગરનું હાઈડ્રોક્લોરિક એસિડ અને અન્ય મટીરિયલ મંગાવી તેમાંથી વિવિધ એસિડ, સફેદ અને કાળું ફિનાઇલ, ગ્લાસ ક્લીનર અને ટોયલેટ ક્લીનર બનાવતો હતો. આ બનાવેલી પ્રોડક્ટસ ઉપર ઓ-રીઅલ કંપનીનું બોગસ ઈંજઘ લેબાલિંગ કરી વેચાણ કરતો હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
ફેકટરીમાંથી પોલીસે મોટા પ્રમાણમાં કેમિકલ જપ્ત કર્યુ છે. જેમાં એસિડની બોટલો, સફેદ અને કાળા ફિનાઇલની બોટલો, હાર્પિક ક્લીનર, ગ્લાસ ક્લીનર, વિવિધ કેમિકલ ભરેલા કેરબા અને બેરલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 400 લીટર સફેદ ફિનાઇલ, 500 લીટર એસિડ મિક્સ અને અન્ય કેમિકલ્સ પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ પર્દાફાશ થતા પીજીવીસીએલ, જીપીસીબી, તોલમાપ અને ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગને જાણ કરાતા તેઓએ તપાસમાં ઝંપલાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.