પૈસાની લેતીદેતીમાં થયેલી મારામારીમાં 23 વર્ષીય યુવકની થઇ હતી હત્યા
વેરાવળ, તા.14: વેરાવળના સુપાસી
ગામે સોમવારે વહેલી સવારે એક યુવકની હત્યાનો બનાવ બનતા ગામમાં ચકચાર મચી જવા પામી હતી.
આ કેસમાં પોલીસે ગણતરીની કલાકોમાં જ ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
સુપાસી ગામે થયેલી હત્યાના કેસમાં
વિભાગીય પોલીસ અધિકારી વી.એમ.ખેંગરે પત્રકાર પરિષદ યોજી માહિતી આપતા જણાવ્યું હતું
કે, સુપાસી ગામના રીયાજ એહમદભાઇ તવાણી (ઉંમર 23)ની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના સુપાસી
ગામની ચોકડી પાસે પુલ આગળ બની હતી. પૈસાની લેતીદેતી બાબતે મનદુ:ખ થતાં આરોપીઓએ રીયાજ
અને તેના ભાઈ રીઝવાન સાથે બોલાચાલી કરી હતી. આ બોલાચાલી મારામારીમાં પરિણમી હતી અને
આરોપીઓએ રીયાજને જીવલેણ ઈજાઓ પહોંચાડતા તેનું મૃત્યુ થયું હતું.
આ બનાવને લઈને જુનાગઢ રેન્જ આઈજીપી
નિલેષ જાજડીયા અને ગીર સોમનાથ એસપી મનોહરાસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે
કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને બાતમીના આધારે ગણતરીના કલાકોમાં
જ આરોપીઓ ફેસલ હનીફભાઇ તાજવાણી, ઉબેદ હનીફભાઇ તાજવાણી, ઝુલ્ફીકાર હનીફભાઇ તાજવાણી અને
જયુલ કરીમભાઇ તાજવાણીને ઝડપી લીધા હતા. તમામ આરોપીઓ સુપાસી ગામના રહેવાસી છે. આ અંગે
પ્ર.પાટણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની
સંયુક્ત ટીમે કામગીરી કરી ગણતરીની કલાકોમાં જ આરોપીઓને ઝડપી લીધા હતા.