અમદાવાદ, તા. 14: સાબરકાંઠાના વડાલીમાં એક પરિવારના પાંચ સભ્યે ગઇકાલે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં દંપતી (િવનુભાઇ અને કોકીલાબેન)નું મૃત્યુ નીપજ્યું હતું. દંપતી સહિત 3 બાળકોએ ઝેરી દવા ગટગટાવતા સમગ્ર વડાલીમાં હડકંપ મચ્યો હતો. આજે મળતા સમાચાર પ્રમાણે ગત રાત્રે બન્ને પુત્રોનાં પણ મૃત્યુ થયાં છે જ્યારે પુત્રી ભૂમિકા સારવાર હેઠળ છે.
સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં
સગરવાસમાં રહેતા વિનુભાઈ સગર પરિવારના પાંચ સભ્યે શનિવારે સવારે અગમ્ય કારણોસર ઝેરી
દવા પી લીધી હતી, જેમાં વિનુભાઈ મોહનભાઈ સગર (ઉંમર 42), તેમનાં પત્ની કોકિલાબેન (ઉંમર
40), બે પુત્ર નિલેશ (ઉંમર 18) અને નરેન્દ્રકુમાર (ઉંમર 17) તથા પુત્રી ભૂમિકા (ઉંમર
19)નો સમાવેશ થાય છે. નોંધનીય છે કે 19 વર્ષીય પુત્રી ભૂમિકા, 18 વર્ષીય પુત્ર નિલેશ
અને 17 વર્ષીય નરેન્દ્રની હાલત નાજુક હોવાને કારણે તેમને વધુ સારવાર માટે અમદાવાદ રિફર
કરવામાં આવ્યાં હતાં, જ્યાં રવિવારે રાત્રે બન્ને પુત્રએ પણ અંતિમશ્વાસ લીધા હતા, જ્યારે
પુત્રી ભૂમિકા હાલ સારવાર હેઠળ છે. આર્થિક કારણોસર પરિવારે સામૂહિક આત્મહત્યાનું આ
પગલું ભર્યું હોવાનું મનાય છે. હાલમાં પોલીસ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે. પોલીસ સૂત્રોના
અનુસાર હાલ ઘટનાનું કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. મૃતક વિનુભાઈનો મોબાઈલ ફોન જપ્ત
કરીને એફએસએલ માટે મોકલવામાં આવશે. પરિવારના રહેણાક વિસ્તારની આસપાસ હાલ પૂછપરછ ચાલુ
છે.