પૌત્રીએ પ્રેમી સાથે લગ્ન કરવા માટે પ્રેમીની મદદથી ઘરમાં હાથ માર્યો’તો
જૂનાગઢ,
તા.1પ: માળિયા હાટીના તાલુકાના લાંછડી ગામે રૂ.ત્રણ લાખના દાગીના રોકડની ચોરીના બનાવમાં
ઘરના જ ઘાતકી નીકળ્યા હોય તેમ, પૌત્રીએ તેના પ્રેમી સાથે લગ્ન કરવા પ્રેમીની મદદથી
ઘરમાં હાથ માર્યો હતો. પોલીસે બન્નેની ધરપકડ કરી પાંચ ગ્રામ સોનાનું પેન્ડલ કબજે કર્યુ
છે. જ્યારે બાકીના દાગીના ફાયનાન્સ પેઢીમાં ગિરવે મૂકી દોઢ લાખની લોન લીધી હતી.
લાંછડી
ગામે રહેતા જેઠાભાઈ હિરાભાઈ શીંગરખીયાએ માળીયા પોલીસમાં બે દિવસ પહેલા પોતાના ઘરમાં
અથાણાની બરણીમાં રાખેલા સોનાના દાગીના તથા રૂ.બે હજાર રોકડા મળી કુલ રૂ.3 લાખ ર હજારની
ચોરીની ફરિયાદ નોંધાવી હતી. તેમાં જણાવેલ કે, આ બરણીમાં રાખેલા દાગીના સાથે પોતાની
પૌત્રી રીંકલ પોતાના પૈસા રાખતી હતી. તેથી પોલીસે રીંકલની ઉલટ પૂછપરછ કરતા ભાંગી પડી
હતી અને કબૂલ કર્યુ કે, પોતાને ભાલપરાના લખુ ડાયા ચાવડા (ઉ.રપ) સાથે પ્રેમસબંધ હોઈ
તેની સાથે ભાગીને લગ્ન કરવા હોઈ નાણાની જરૂરિયાત પુરી કરવા પોતાના પ્રેમીના કહેવાથી
પોતાના જ ઘરમાં હાથ ફેરો કર્યો હતો.
આ ચોરેલા
દાગીનામાં પાંચ ગ્રામના પેન્ડલ સિવાયના દાગીના મુથુટ ફાયનાન્સમાં ગિરવે મૂકી રૂા.દોઢ
લાખની લોન લીધી હતી. પોલીસે સોનાનું પેન્ડલ કબજે કરી રીંકલ તથા તેના પ્રેમી લખુ ડાયા
ચાવડાની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
લાંછડી
ગામની રૂ.ત્રણ લાખની ચોરીમાં પોતાની પૌત્રી જ નીકળતા નાનકડા ગામમાં ચકચાર મચી ગઈ છે.
આ રીંકલ (ઉ.ર6)ની અન્ય જગ્યાએ સગાઈ થઈ હતી પણ તેણે પોતાના મનનો માણીગર લખુ ચાવડાને
પામવા માટેજ પોતાના ઘરમાં ફેરો કર્યાનું બહાર આવતા પરિવારજનો ચોંકી ઉઠયા છે.