• શનિવાર, 26 એપ્રિલ, 2025

ચલાલા નજીક ખાનગી બસ પલટી : 16 મુસાફર ઈજાગ્રસ્ત

અકસ્માતને પગલે ટ્રાફિકજામ સર્જાયો : 5 ઈજાગ્રસ્ત મુસાફરને અમરેલી રીફર કરાયા

ચલાલા, તા.15 : ચલાલા નજીક ખાનગી બસે પલટી મારતા 16 જેટલા મુસાફરોને નાની મોટી ઈજા પહોચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે 5 મુસાફરને વધુ સારવાર માટે અમરેલી રીફર કરવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાતા પોલીસ દોડી આવી હતી. 

પ્રાપ્ત વિગત મુજબ ઉનાથી રાત્રીના સમયે અમદાવાદ જવા નીકળેલી હરી દર્શન ટ્રાવેલ્સની બસ ચલાલાથી મુસાફરોને લઈએ થોડી આગળ નીકળી ત્યારે ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા રોડ નીચે ખાઈમાં ખાબકી હતી. બસમાં બેઠેલા 16 મુસાફરને ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઘાયલ મુસાફરોને 108 અને અન્ય એમ્બ્યુલન્સ મારફતે સ્થાનિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

અકસ્માતના પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. તેમજ અકસ્માત સ્થળે અને હોસ્પિટલમાં સામજિક, રાજકીય આગેવાનો દોડી ગયા હતા. બીજી તરફ અકસ્માતના સ્થળે પોલીસે ટ્રાફિક દૂર કરવા કવાયત હાથ ધરી હતી. અકસ્માત કર્યા બાદ ડ્રાઈવર અયુબ મકરાણી ચલાલા પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. પોલીસે જાણવા જોગ નોંધ કરી હોવાનું જાણવા મળે છે.

ડ્રાઈવરની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો : મુસાફર 

બસમાં મુસાફરી કરતા મુસાફર રાજેશ ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, ચલાલા ટ્રાવેલ્સની ઓફિસે બસ પહોંચ્યા બાદ ડ્રાઈવર બદલાયો હતો. આ ડ્રાઈવર બેદરકારી પૂર્વક બસ ચલાવતો હતો અને ટ્રકને ઓવરટેક કરવા જતા સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને અકસ્માત સર્જાયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક