• બુધવાર, 21 મે, 2025

કાલંભડીમાં પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા કરનાર 3 આરોપીને 7 વર્ષની સજા

ગોંડલ, તા. 22 : કાલંભડી ગામે યુવતી તરીકે ફોન કરી વાડીએ બોલાવી બેફામ માર મારતા યુવક જય કિશોરભાઈ વેગડવાનું મૃત્યુ નીપજ્યું હતું. જેમાં હત્યાની ફરિયાદ નોંધાયા બાદ ગોંડલ કોર્ટમાં કેસ ચાલી જતા સાપરાધ મનુષ્ય વધનો ગુનો માની કોર્ટે ત્રણ આરોપી વિશાલ વરાણ, નરવીન વરાણ અને ગજેન્દ્ર ઉર્ફે જીણો વરાણને 7 વર્ષની સજા ફટકારી છે.

મૃતક જયને આરોપીઓના કૌટુંબની એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. તા.3/7/2019ના રોજ ફરિયાદી દિલીપભાઈ કાળુભાઈ વેગડવા તથા તેના કાકાનો દીકરો જય રાત્રે વાડીએ સરખડી મુકામે હાજર હતા. આ સમયે આરોપીઓએ ગુજરનાર જયને યુવતી તરીકે ઓળખ આપી ફોન કર્યો. અને તેને મળવા માટે કાલંભડી ગામની બાજુમાં આવેલી વાડીએ બોલાવ્યો હતો. જેથી ફરિયાદી તથા જય બન્ને જણા મોટરસાઇકલમાં બેસી ત્યાં ગયા હતા. જ્યાં આરોપીઓ વિશાલ રમેશ વરાણ, નરવીન સોમા વરાણ તથા ગજેન્દ્ર ઉર્ફે જીણો ઘુસાભાઈ વરાણ હાજર હતા. આ ત્રણેયએ દિલીપભાઈ તથા ગુજરનાર જયને લાકડી, પ્લાસ્ટિકની દોરીથી આડેધડ શરીરમાં માર મારી માર્યો હતો. જેથી સારવારમાં જયનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો.

ચાર્જશીટ બાદ ગોંડલની સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતા ફરિયાદીની જુબાની તથા સરકાર તરફે સરકારી વકીલ ઘનશ્યામ કે. ડોબરિયા દ્વારા રજૂ કરેલા દસ્તાવેજી પુરાવા તથા ડોક્ટરની જુબાની તથા અન્ય સાહેદોની જુબાની ધ્યાને લઈ સેશન્સ જજ એમ.એ. ભટ્ટીએ આ ગુનામાં આરોપીઓને 7 વર્ષની સજાનો હુકમ કર્યો હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક