• બુધવાર, 21 મે, 2025

જામનગરમાં કારખાનામાં 9 મહિનામાં રૂા.10.65 લાખના માલ-સામાનની ચોરી

કટકે-કટકે 2,130 કિલો પીત્તળનો માલ વિશ્વાસુ કારીગરે જ ચોર્યો : પોલીસે આરોપીની અટક  કરી શરૂ કરી તપાસ

જામનગર, તા.23: જામનગરમાં શંકર ટેકરી ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા એક કારખાનામાં કામ કરતો કારીગર ખુદ ચોર નીકળ્યો છે. જેણે પોતાના કારખાનેદારને જ ચુનો લગાવ્યો છે. છેલ્લા નવ મહીનાના સમયગાળા દરમિયાન કટકે કટકે કારખાનામાંથી રૂપિયા 10,65,000નો પિત્તળનો માલ સામાન ચોરી છુપીથી ઉપાડી ગયો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.

જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં રહેતા અને શંકર ટેકરી ઉદ્યોગનગર વિસ્તારમાં વી નાઈન મશીન પ્રાઈવેટ લિમિટેડ નામનું કારખાનું ધરાવતા દેવેન્દ્રભાઈ રતિભાઈ પણસારા નામના કારખાનેદારે પોતાના કારખાનામાંથી છેલ્લા નવ મહિનાના સમયગાળા દરમિયાન પોતાના જ કારખાનામાં જ કામ કરતો રાહુલ નરેશભાઈ કછેટીયા નામનો શખસ પિત્તળનો માલ સામાન કટકે કટકે ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સીટી સી ડિવીઝન પોલીસ મથકમાં નોંધાવી છે.

ગત તા.1-8-2024થી પોતાના જ કારખાનામાંથી કટકે કટકે ગઈકાલ સુધી નવ મહિનાના સમયગાળા દરમિયાન અંદાજે 2130 કિલો વજનનો માલ સામાન ચોરી કરી લીધો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેની કુલ કિંમત 10,650 થાય છે. જે માલ સામાનની ચોરી અંગે પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસની ટીમ કારખાને દોડી ગઈ હતી અને સમગ્ર મામલામાં ઊંડાણપુર્વકની તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા કારખાનામાં કામ કરતા રાહુલ કછેટીયાને અટકાયતમાં લઈ લેવાયો છે અને તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક