મોરબી
તા.23: મોરબીના નાની વાવડી ગામે યુવાનનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ
ચલાવી હતી અને યુવાનની હત્યા પૈસાની લેતીદેતી મામલે થયાનું ખુલ્યું છે. જે બનાવ મામલે
મૃતકના પિતાની ફરિયાદને આધારે પોલીસે બે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આરોપીને ઝડપી લીધા
હતા અને બંને આરોપીને ઘટનાસ્થળે લઇ જઈને ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યું હતું.
મોરબીના
નાની વાવડી ગામના રહેવાસી ભાણજીભાઈ મોતીભાઈ મકવાણા નામના વૃદ્ધે આરોપીઓ હેમંત પ્રેમજી
સોલંકી રહે. નાની વાવડી અને ગૌતમ હીરાભાઈ ઉભડીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં
જણાવ્યું છે કે ફરિયાદીના દીકરા દીપક મકવાણા પાસે આરોપીઓ પૈસા માંગતા હતા પરંતુ પરિવારમાં
કોઈ કમાનાર ના હોવાથી દીકરો ઉછીના લીધેલા પૈસા સમયસર આપી શક્યો નથી. જેથી આરોપી હેમંત
અને ગૌતમ બંને ભેગા મળીને દીકરાના મોબાઈલમાંથી ફરિયાદી ભાણજીભાઈને પૈસા બાબતે ફોન કરી
તેમજ દીકરા દીપકને મારમારી માથાના ભાગે અને શરીરે બોથડ પદાર્થના ઘા ઝીંકી ગંભીર ઈજા
પહોંચાડી મોત નીપજાવ્યું હતું. મોરબી તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી બંને
આરોપીને ઝડપી લીધા હતા. તાલુકા પોલીસે હત્યાની ફરિયાદ નોંધી ગુનામાં સંડોવાયેલા બંને
ઇસમોને ગણતરીની કલાકોમાં ઝડપી લીધા હતા. બંને આરોપીને ઝડપી લઈને ઘટનાસ્થળે લઇ જવામાં
આવ્યા હતા. જ્યાં ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરાવ્યું હતું અને બંને આરોપીને કોર્ટમાં રિમાન્ડની
માંગણી સાથે રજુ કરવામાં આવશે.