સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાતા અનેક પ્રશ્નાર્થ : ચૌદ હજાર કરતા વધારે દારૂની બોટલો મળી આવી, એક કરોડનો મુદ્દામાલ જપ્ત
ગઢડા, તા.24: સ્ટેટ મોનિટારિંગ
સેલે ગઢડા તાલુકાના રાયપર ગામની સીમમાં મોટી કાર્યવાહી કરી છે. એસએમસીને બાતમી મળી
હતી કે, આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે. રાત્રિ દરમિયાન
રાયપર ગામની સીમમાં દરોડો પાડયો હતો. પોલીસને જોતાં જ બુટલેગરો વાહનો મૂકીને નાસી છૂટયા
હતા. પોલીસે તપાસ કરતા કુલ 14,565 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ દારૂની કિંમત
78.45 લાખ રૂપિયા છે.
જાણવા મળતી વિગત અનુસાર સ્ટેટ
મોનિટરીંગ સેલની ટીમે ખાનગી વાહનોમાં બેસી ગોરડકા ગામ પાસે આવેલા ક્રિષ્ના ફાર્મથી
ગઢડા થઇ હરીપર ગામ તરફ જતા રસ્તેથી રાયપર ગામ તરફ કાચા રસ્તે જતા, આગળ બાતમી વાળી જગ્યા
રાયપર ગામની પડતર ખારો (ખરાબો જમીન) નજીક જતા દૂરથી વાહનના લાઇટના અજવાળામાં વાહનો
પડેલા દેખાયા હતા. વાહનો ઉપર માણસો ખાખી કલરના બોક્સની હેરફેર કરતા જોવા મળ્યા હતા
ત્યારબાદ હેરફેર વાળી જગ્યાએ આગળ જતા અમુક માણસો વાહનો મૂકી અંધારામાં બાવળની ઝાડીમાં
નાશી ગયા અને પોલીસ સ્ટાફે તેનો પીછો કરતા તેઓ અંધારાનો લાભ લઈ નાશી ગયા હતા. બાદમાં
એક લાલ કલરનો અશોક લેલેન્ડ કંપનીનો બંધબોડી વાળુ કન્ટેનર ટ્રક રજી નંબર આરજે-10-જીબી-0654મા
ખાખી કલરના બોક્સ ભરેલા હતા. આ ટ્રકની પાછળના ભાગે એક બ્લુ કલરનુ નંબર પ્લેટ વગરનું
ટાટા પીકઅપ વાહન, એક સફેદ કલરનું મહેન્દ્ર બોલેરા મેક્સી ટ્રક તેમજ સફેદ કલરનું બોલેરો
મૈક્સી ટ્રક વાહન જોવા મળ્યા હતા. ચારેય વાહનમાં ભરેલા બોક્સ ખોલીને તપાસ કરતા ભારતીય
બનાવટની ઇંગ્લીશ દારૂની નાની મોટી બોટલો મળી કુલ નંગ 14,565 બોટલ જેની કુલ કિંમત રૂપીયા
78,45,357 તથા વાહન નંગ ચાર કિંમત રૂપિયા 24 લાખ મળીને તમામ મુદ્દામાલની કિંમત રૂપિયા
એક કરોડ બે લાખ પિસ્તાલીસ હજાર ત્રણસો સતાવનનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. વિજય રવુભાઈ
બોરીચા, કુંરાસિંહ રાજસ્થાની તથા અન્ય ચાર વાહનો ધારકો અને મજૂરો સહિત સાત વ્યક્તિઓ
સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.