ગોંડલ, તા.24: એસએમસીની ટીમે અમદાવાદના પાર્થ ઇન્ડસ્ટ્રીઝ એરિયા પાસે ટ્રકમાંથી 3.31 લાખના ગાંજાના જથ્થા સાથે ગોંડલના ટ્રક ચાલક અને ક્લીનરને ઝડપી લીધા હતા.
એસએમસીના પીઆઇ એ.જે.ચૌહાણ તથા
તેમની ટીમને બાતમી મળી હતી કે, રિયાઝશાહ ફકીર (રહે. વોરાકોટડા રોડ, ગોંડલ) પોતાની ટ્રક
નંબર જીજે 3 ડીવી 0264 માં લોખંડના પાઇપની આડમાં માદક પદાર્થ લાવી હાલ સનાથલ સર્કલ
નવાપુર રોડ ગોપાલ કોમ્પલેક્સની પાછળ પાર્થ ઇન્ડસ્ટ્રીઝ સામે જાહેર રોડ પર હોવાની માહિતીના
આધારે પીએસઆઇ કે.ડી.રવિયા તથા તેમની ટીમ તાકીદે પહોંચી હતી. પાર્થ ઇન્ડસ્ટ્રીઝ સામે
શંકાસ્પદ ટ્રક નજરે પડતાં તેને કોર્ડન કરી ટ્રકમાં કેબીનની પાછળના ભાગે આવેલ કેરિયરના
ભાગેથી રૂપિયા 3,31,250ની કિંમતનો 33.125 કિલો ગાંજાનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે
ગાંજાના આ જથ્થા સાથે રિયાઝશાહ ઉંમરશાહ ફકીર (રહે. વોરા કોટડા રોડ, હુડકો ક્વાર્ટર
ગોંડલ) તથા ક્લીનર ઝફર ઉર્ફે ભૂરો જીગરભાઈ સોલંકી (રહે. રૈયારોડ, રાજકોટ)ને ઝડપી લઇ
ગાંજાનો આ જથ્થો અને ટ્રક સહિત કુલ રૂપિયા 23,44,690 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પકડાયેલા આ બંને શખસોને પૂછતાછ કરતા ગાંજાનો આ જથ્થો છત્તીસગઢ બોર્ડરને અડીને આવેલા
ઓરિસ્સા રાજ્યની હદમાં ગંજામ જિલ્લાના જંગલ વિસ્તારમાંથી અમન (રહે. ગંજામ) પાસેથી લાવ્યાની
અને આ બન્ને શખસ તથા મોઇન જીકરભાઈ સોલંકી સહિત ત્રણે મળી છૂટકમાં વેચતા હોવાની કબૂલાત
આપી હતી.