સમન્સ પાઠવાતા ફરી મુદ્દો ગરમાયો
અમરેલી, તા.16: અમરેલીમાં છેલ્લા
ઘણાં જ સમયથી નકલી લેટરકાંડને લઇ અમરેલી જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. આ બનાવને લઇ
અમરેલીથી ગાંધીનગર સુધી રજુઆત તથા હાઇકોર્ટ સુધી મામલો પહોંચ્યો છે. ત્યારે ફરી આ બહુચર્ચિત
નકલી લેટરકાંડ મામલે પીડિતા પાયલ ગોટીને અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં હાજર
થવા વોટ્સએપના મધ્યમથી સમન્સ મોકલવામાં આવતાં આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે.
આ બનાવમાં જાણવા મળતી વિગત મુજબ
નકલી લેટર કાંડમાં જેલવાસ ભોગવી ચૂકેલી પાયલ ગોટીને ફરી એક વખત સાયબર પોલીસે તરફથી
સમન્સ પાઠવી શુક્રવારે પોલીસ મથકે થવા જણાવ્યા મુજબ પાયલ ગોટી પોતાના માતા પિતા સાથે
સાયબર પોલીસ મથકે પહોંચ્યા હતા. સાયબર પોલીસ દ્વારા લેટર કાંડના આરોપી પીડિતા પાયલ
ગોટીને હવે પોલીસ સાક્ષી બનાવવાની અટકળો વચ્ચે ફરી પોલીસે જૂના સવાલો કર્યા હતા અને
લેટર તમે લેટર ટાઇપ કર્યો હતો કેમ ? કોના કહેવાથી લેટર તૈયાર કર્યો હતો ? તેવા સવાલો
કર્યા હોવાનું પાયલ ગોટીએ પત્રકારોને જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ મામલો
હાલ હાઇકોર્ટમાં હોય અને આગામી તા.19ના રોજ આ કેસ અંગેની મુદત હોય ત્યારે આજે સાયબર
ક્રાઇમ પોલીસ તરફથી પાયલ ગોટીને સમન્સ પાઠવવામાં આવતાં ફરી બનાવ ચર્ચામાં આવ્યો છે.