• ગુરુવાર, 19 જૂન, 2025

ગોંડલમાં વેપારી સાથે રૂ.56 લાખની છેતરપિંડી કરનાર આરોપીને વ્યાજ સાથે નાણા ચૂકવવા હુકમ ફ્રુટના વેપારી પાસેથી મહારાષ્ટ્રના વેપારીએ સંતરા નહીં મોકલી ધુંબો મારી દીધાના કેસમાં કોર્ટનો આદેશ

ગોંડલ, તા.18: ગોંડલના ફ્રુટના વેપારીએ મહારાષ્ટ્રના વેપારી પાસેથી સંતરા મંગાવવા માટે રૂા.56 લાખ જેવી રકમ મોકલી આપેલ હોવા છતાં માલ નહી મોકલી આપતા તે રકમ પરત મેળવવા માટે દાવો કરતા ગોંડલ કોર્ટ દ્વારા મહારાષ્ટ્રના વેપારીને રૂા.56 લાખ વાર્ષિક-9 ટકા વ્યાજ સાથે ચૂકવવા હુકમ કર્યો છે.

જાણવા મળતી વિગત મુજબ ગોંડલમાં ઘણા વર્ષોથી પટેલ પરસોતમભાઈ ગાવિંદભાઈ એન્ડ કાં. ના નામથી ભાગીદારી પેઢી ધરાવતા અને ફુટનો વેપાર કરતા  વેપારી હિતેષભાઈ પરસોતમભાઈ પાંભરે  મહારાષ્ટ્રના વેપારી ડી.કે.એન્ટરપ્રાઈઝ ના પ્રોપરાઈટર મહેશ રામચંદ્ર બંડગર મારફત ઈજીપ્તથી સંતરા  મંગાવવા માટે પેઢીના બેંક ખાતામાથી રૂા.56 લાખ જેવી રકમ મોકલી આપેલી હોય તેમ છતા મહારાષ્ટ્રના વેપારીએ માલ નહી મોકલી આપતા તે રકમ વસુલ મળવા માટે વેપારીએ ગોંડલ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો.

 જે કેસ ચાલી જતા તેમના વકીલ  નિરંજય એસ. ભંડેરીની કાયદા તથા હકીકતના મુદાઓની રજુઆતોને ધ્યાને લઈ ગોંડલના પ્રિન્સીપાલ સિનિયર સિવિલ જજ  એમ.એસ.દવેએ વાદી પટેલ પરસોતમભાઈ ગાવિંદભાઈ એન્ડ કું. ના નામથી ચાલતી ભાગીદારી પેઢી ના ભાગીદાર દરજ્જે હિતેષભાઈ પરસોતમભાઈ પાંભર દ્રારા કરવામા આવેલ દાવો મંજુર કરી દાવાવાળી રકમ રૂા.56,00,000 વાર્ષિક-9 ટકા વ્યાજ સાથે ચુકવી આપવા પ્રતિવાદી ડી.કે.એન્ટરપ્રાઈઝ વિરૂધ્ધ હુકમ ફરમાવ્યો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક