ગોંડલ, તા. 19: અહીની સિવિલ હોસ્પિટલમાં સવારે કોઈ કારણોસર વિફરેલા યુવાને દંગલ મચાવ્યું હતું. નર્સિંગ સ્ટાફ પાછળ કાતર લઇ દોટ મુકતા દર્દીઓ તથા સ્ટાફમાં નાસભાગ મચી ગઇ હતી. તોફાને ચડેલા યુવાને આટલેથી નહી અટકી હોસ્પિટલનાં પ્રાંગણમાં જઇ પોતાની જાતે માથા પર ઇંટનાં ઘા મારતા લોહીલુહાણ થયો હતો.
હોસ્પિટલ સ્ટાફ તથા શિવમ સાર્વજનિક
ટ્રસ્ટનાં દિનેશભાઈ માધડ તથા યુવાનોએ તેને પકડી ટીંગાટોળી કરી ઈમરજન્સી વિભાગમાં સારવાર
અપાવી રવાના કર્યો હતો.આ વેળા પોલીસ ચોકીમાં હાજર એક પોલીસમેન તથા લેડી કોન્સ્ટેબલ
મૂક બની તમાશો નિહાળતા હતા.
રવાના કરાયેલ યુવાન ફરી આવી ચડતા
મૂક બનેલી પોલીસ આખરે હરકતમાં આવી હતી. યુવાનને હોસ્પિટલ બહાર તગેડી મુક્યો હતો.યુવાનનું
દંગલ અંદાજે બે થી અઢી કલાક ચાલ્યુ હતું. ફરજ પરનાં તબીબે પોલીસને ફોન કરી જાણ પર કરી
હતી. યુવાને ખેલ કર્યો ત્યારે હોસ્પિટલની પોલીસ ચોકીમાં પોલીસ પણ હાજર હતી.
સિવિલ હોસ્પિટલ પ્રાંગણમાં થોડા
દિવસ પહેલા એક યુવાને ગળા અને હાથનાં ભાગે બ્લેડનાં છરકા મારી હોસ્પિટલ માથે લીધી હતી.
અહી અસામાજિક તત્વો અવારનવાર મહિલા સ્ટાફ તથા
દર્દીઓને રંજાડતા હોવાની ઘટના બનતી રહે છે.
જે સીસીટીવી કેમેરામાં કેદ થાય છે. અહીની પોલીસ ચોકી શોભાનાં ગાંઠિયા સાબિત થઈ રહી
છે.