ગોંડલ: ગોંડલ તાલુકાના કોલીથડ ચોકડી પાસે ટ્રેકટર પાછળ બાઈક ઘૂસી જતા 20 વર્ષીય રવિ કુશવાહનું મૃત્યુ થયું હતું. મૃતક મૂળ યુપીનો વતની હતો, અહીં ગોંડલમાં રહેતો હતો. બાઈક પર ગામડે ગામડે ફેરી કરી બરફ ગોલા વેચતો હતો. ગઈકાલે પરત ઘરે ગોંડલ જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો.
ગઈકાલે
રાત્રે 9:30 વાગ્યા આસપાસ રવિ નામનો યુવાન અનિડા અને કોલીથડ ચોકડી વચ્ચે ઈજાગ્રસ્ત
મળી આવ્યો હતો. તેને 108 મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન
તેનું મૃત્યુ થયું હતું. આ અંગે ગોંડલ તાલુકા પોલીસને જાણ થતા કોન્સ્ટેબલ મયુરાસિંહ
રાણા સહિતનો સ્ટાફ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
મૃતકના
પરિવાર અંગે પૂછપરછ કરતા તેમના સ્વજનોનો સંપર્ક થયો હતો. જાણવા મળ્યું કે, મૃતકનું
પૂરું નામ રવિ સુભાષ કુશવાહ (ઉંમર વર્ષ 20, રહે. હાલ ગોંડલ, વોરાકોટડા રોડ, મૂળ ઉત્તર
પ્રદેશ) છે. તેમના સગા સંબંધીઓએ જણાવ્યું કે, રવિ બાઈક પર બરફના ગોલા વેચવાનું કામ
કરતો હતો. તે ગામડે ગામડે જઈ ફેરી કરતો હતો. તે ગોંડલ આસપાસના ગામડાંમાં ગોલા વેચવા
માટે ગયો હતો. રાત્રે વેપાર કરી પરત ગોંડલ
આવતો હતો, ત્યારે અનિડા કોલીથડ ચોકડી વાળા રોડ ઉપર બંધ ટ્રેક્ટર પાછળ તેનું બાઈક ઘૂસી
ગયું હતું. જેમાં તેને ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તેનું મૃત્યુ નીપજ્યું
હતું. રવિ અપરણિત હતો. તેનો પરિવાર વતનમાં રહે છે. પોલીસે તેના મૃત્યુ અંગે વતનમાં
તેના પરિવારને જાણ કરી હતી અને મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.