વિડીયો વાયરલ થયો હતો, ગુનો દાખલ
વેરાવળ,
તા.20: ગીર સોમનાથના સુત્રાપાડાના મોરાસા ખાતે આવેલી સિધ્ધી સિમેન્ટ કંપનીની માઇનિંગ
સાઇટ ખાતે સિંહની હત્યાનો પ્રયાસ કરવાની થયેલ ગંભીર ઘટનામાં વિડીયો વાયરલ થયા બાદ આખરે
વન વિભાગે કાર્યવાહી કરી છે. વન વિભાગે પાદરુકા ગામના વિજય જખૌત્રા નામના વ્યક્તિ સામે
ગુનો નોંધ્યો છે. આરોપીએ એક વર્ષ પહેલા સિંહ પર લોડર મશીન ચડાવવાનો પ્રયાસ કર્યો હોવાનું
સામે આવ્યુ છે.
આ મામલે
વેરાવળ રેન્જના આરએફઓ કે.ડી. પંપાણીયાના જણાવ્યા અનુસાર સિંહની હત્યાના પ્રયાસની ઘટનાનો
વીડિયો સોશિયલ મીડિયા અને સમાચાર માધ્યમોમાં વાયરલ થયા બાદ વન વિભાગે કાર્યવાહી હાથ
ધરી હતી. આ મામલે આરોપી સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો
છે. ગુનો દાખલ થતાં જ આરોપી ફરાર થઈ ગયો છે. ઘટનામાં વપરાયેલું વાહન (ડોઝર) હાલ રિપારિંગ
હેઠળ છે. રિપારિંગ બાદ વાહન સુત્રાપાડા કચેરી ખાતે જમા કરાવવા કંપની મેનેજમેન્ટે મૌખિક
સહમતિ આપી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ મામલે કંપનીના બચાવ માટે કંપનીમાં કોન્ટ્રાકટ
ધરાવતા અને આર્થિક લાભ મેળવતા સ્થાનિક રાજકીય નેતા દ્વારા વનમંત્રી સુધી દબાણ લાવવાનો
ધમપછાડાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ વાયરલ વીડિયોના પુરાવાના કારણે આ મામલે કાર્યવાહી
અનિવાર્ય બની જતા અંતે લાંબા વિલંબ બાદ પણ ગુનો દાખલ થયો હતો. જેના કારણે સ્થાનિક નેતા
ની નીતિરીતિને લઈ લોકોમાં અનેકવિધ ચર્ચાઓ ઉઠી છે.