• ગુરુવાર, 19 જૂન, 2025

સુરતમાં 23 વર્ષીય મોડેલનો ગળાફાંસો ખાઈ આપઘાત સ્યુસાઈડ નોટ મળી નહીં, પોલીસે તપાસ આદરી

સુરત, તા.9: શહેરના નવસારી બજારમાં રહેતી અને મોડેલિંગ કરતી 23 વર્ષીય યુવતીએ ઘરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગે પોલીસને જાણ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મોડેલની આત્મહત્યાનું કારણ અકબંધ હાલ અકબંધ છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નવસારીમાં આવેલા કાર્તિક એપાર્ટમેન્ટમાં 23 વર્ષીય અંજલિ અલ્પેશભાઈ વરમોરા તેના પરિવારમાં માતા, એક ભાઈ અને એક બહેન સાથે રહેતી હતી. અંજલિ પિતા અલ્પેશભાઈનું અઢી વર્ષ પહેલા એક અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું હતું. અંજલિએ એક વર્ષ પહેલા જ મોડેલિંગની દુનિયામાં પગ મૂક્યો હતો. અલગ અલગ કંપનીઓ સાથે કામ કર્યા બાદ છેલ્લા થોડા મહિનાઓથી રેવન્યુ મોડેલ કાસ્ટીંગ એજન્સીમાં મોડેલિંગનું કામ કરતી હતી. સુરત અને અમદાવાદના અલગ અલગ પ્રોજેક્ટ પર તે કામ કરતી હતી જ્યારે શૂટિંગનું કામ હોય ત્યારે જ તે જતી હતી અને બાકીનો સમય તે ઘરે રહેતી હતી. બે વર્ષ પહેલા અંજલિની સગાઈ કરવામાં આવી હતી. બન્ને ખુબ જ ખુશીથી રહેતા હતા. દિવાળી બાદ બન્નેના લગ્ન કરાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

દરમિયાન અંજલિ રાત્રે ઘરે એકલી હતી ત્યારે તેણે ઘરની છત પરના પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. બાદ અંજલિના મોટા બહેન અને બનેવી ઘરે આવ્યા હતા. તેમણે દરવાજો ખખડાવ્યો પણ અંજલિ દરવાજો ન ખોલતા તેના ભાઈને જાણ કરવામાં આવતા તે ઘરે દોડી આવ્યો હતો. આ દરમિયાન અંજલિના ફિયાન્સને પણ આ અંગે જાણ કરવામાં આવતા તે પણ દોડી આવ્યા હતા ત્યારબાદ ઘરનો દરવાજો તોડીને અંદર જોતા પંખા સાથે દુપટ્ટો બાંધીને અંજલિએ ગળાફાંસો ખાઈ લીધો હતો. બનાવ અંગે પોલીસને જાણ કરતા અઠવા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

સમગ્ર ઘટનામાં અંજલિ દ્વારા કોઈ સ્યુસાઈડ નોટ પણ લખવામાં આવી નથી. જેને લઈને પોલીસે હવે અંજલિના મોબાઈલ ફોન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પ્રાથમિક રીતે માનસિક તણાવમાં પગલું ભર્યું હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. અંજલિની બહેને જણાવ્યું કે, અંજલિએ આવું પગલું કેમ ભર્યું એ અંગે અમને કંઈપણ જાણ નથી. પરિવારમાં પણ કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ નહોતો અને તે જે કામ કરતી હતી તેને પણ અમે સંપૂર્ણ પરિવારનો સપોર્ટ હતો. પોલીસ તપાસ કરી રહી છે પણ તે જે કંપનીમાં કામ કરતી હતી ત્યાં કંઈ થયું હોય એવી શક્યતા લાગી રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક