• ગુરુવાર, 19 જૂન, 2025

ખાંભા પંથકમાં સરકારી અનાજના જથ્થાના કાળા કારોબાર પ્રકરણમાં નોંધાઈ ફરિયાદ

અમરેલી, તા.10 : ખાંભા પંથકમાં સરકારી અનાજનો જથ્થો ગેરકાયદે ખરીદી કરી તેનો બારોબાર કાળો કારોબાર ચાલતો હોય થોડા સમય પહેલા ખાંભાના તત્કાલીન મામલતદાર દ્વારા ત્રણ સ્થળે દરોડા પાડી રૂ.20.43 લાખનો મુદ્દામાલ ઝડપી સીઝ કરવામાં આવ્યો હતો. આ બનાવમાં ઇન્ચાર્જ મામલતદાર દ્વારા ત્રણ જુદી-જુદી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. 

પ્રાપ્ત માહિતી મુજબ ગત તા.26/7/24ના રોજ તત્કાલીન મામલતદાર દ્વારા ખાંભા ગામે બંધ પડેલા બ્લોકના કારખાનામાં દરોડો કરી ઘન અને ચોખાનો રૂ.2.33 લાખના જથ્થા સાથે ટ્રક અને બે રિક્ષા મળી કુલ રૂ.10.9 લાખનો મુદ્દામાલ સીઝ કરેલો હતો. જે જથ્થો ગેરકાયદે રીતે યુસુફ ઉર્ફે ફેઝલ હનીફશા શાહમદાર, કાળુ ઓસમાણભાઈ મોદી તથા સાહીદ સીરાજભાઈ બારજીયાએ મેળવેલો હોય ત્રણેય સામે ઇન્ચાર્જ મામલતદારે ફરિયાદ નોંધાવી છે. 

જ્યારે બીજા બનાવમાં ગત તા.28/10/22ના રોજ નવા માલાકનેસ ગામે દરોડો પાડી ઇકબાલ ગફારભાઈ ચોટલીયા નામના આરોપી પાસેથી કારમાંથી રૂ.15,937ની  ઘઉં અને ચોખાનો જથ્થા સાથે કુલ રૂ.6.23 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો હતો જ્યારે ત્રીજા બનાવમાં ગત તા.26/7/24ના રોજ ડેડાણ ગામે આરોપી અફઝલ આદમભાઈ સેલોતના રહેણાક મકાને દરોડો પાડી ઘઉં અને ચોખાનો રૂ.2,33,454ની કિંમતનો જથ્થો તેમજ ટ્રક અને રિક્ષા સહિતનો કુલ રૂ.10.9 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો. આમ ત્રણેય બનાવમાં હાલના ઇન્ચાર્જ મામલતદાર રાજેશકુમાર એ. પરમારે આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક