જલંધરથી
મોકલાયેલો દારૂ જૂનાગઢ લઈ જવાઇ રહ્યો હતો : રાજસ્થાની ડ્રાઈવરની ધરપકડ
ગોંડલ,
તા.18: ભરૂડી ટોલનાકા નજીક એલસીબી કચેરી સામે નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહેલા આઈશર
ટ્રકને અટકાવી એલસીબી પોલીસે તલાશી લેતા વિદેશી દારૂ તથા બિયરનો મોટો જથ્થો મળી આવતા
રૂ.1,02,71,312નાં મુદ્દામાલ સાથે રાજસ્થાનનાં ટ્રક ડ્રાઈવરને ઝડપી લઈ તપાસ હાથ ધરી
હતી. ડ્રાઈવરની પૂછપરછમાં પંજાબનાં જલંધરથી વિદેશી દારૂનો જથ્થો જૂનાગઢ તરફ જઈ રહ્યાનું
ખુલવા પામ્યું હતું.
પ્રાપ્ત
વિગત મુજબ, એલસીબીનાં ભાવેશભાઈ મકવાણાને મળેલી બાતમીનાં આધારે એલસીબી પીઆઈ ઓડેદરા,
પીએસઆઈ ગોહીલ સહિતના અધીકારીઓ ભરૂડી ટોલનાકા નજીક તા.17ની રાત્રીના બાર કલાકે વોચમાં
હતા ત્યારે જૂનાગઢ તરફ જઈ રહેલા બંધબોડીવાળા આઈસર ટ્રકને અટકાવી ડ્રાઈવરની પૂછપરછ કરતા
તેણે ટ્રકમાં પતંજલીનાં બિસ્કિટભર્યા હોવાનું જણાવતા પોલીસે આકરી પૂછતાછ કરતા ડ્રાઈવરે
ગલ્લાતલ્લા કરી આખરે પોલીસનાં તાપ સામે ઢીલા પડેલા ડ્રાઈવરે વિદેશી દારૂ તથા બિયરનો
જથ્થોભર્યો હોવાની કબૂલાત આપતા, પોલીસે ટ્રકમાંથી રૂ.89,02,752ની કિંમતની અલગ-અલગ બ્રાન્ડની
15,816 બોટલ ઉપરાંત રૂ.3,58,560ની કિંમતનાં 1992 બિયરના ટીન સહિત રૂ. દશ લાખની કિંમતનો
ટ્રક, દશ હજારની કિંમતના બે મોબાઈલ મળી રૂ.1,02,71,312ના મુદ્દામાલ સાથે રાજસ્થાનનાં
જાલોરના લાછીવાડ રહેતા ટ્રક ડ્રાઈવર સુરેશ માનારામ ખીલેરીની ધરપકડ કરતા તેણે દારૂ બિયરનો
જથ્થો રાજસ્થાનનાં બાંસવાડાનાં ડુંગરપુર રહેતા બિશ્નોઈ વિષ્ણુ ડાંગીએ મોકલ્યાનું જણાવ્યું
હતું. તેમજ ડ્રાઈવર આ ટ્રક જૂનાગઢ તરફ લઈ જઈ રહ્યો હતો. વિદેશી દારૂનો જથ્થો મોકલનાર
વિષ્ણુ ડાંગી તેને વોટ્સએપ કોલ દ્વારા લોકેશન મોકલતો હતો. વધુમાં ટ્રકમાં જીપીએસ સિસ્ટમ
લગાવી હોય વિષ્ણુ ડાંગીને ટ્રક ક્યાં પહોંચ્યો તેની માહીતી મળીતી રહેતી હતી. પોલીસે
વિશેષ પૂછપરછ હાથ ધરી તપાસનાં ચક્રોગતિમાન કર્યા છે.