ધ્રાંગધ્રા,
તા.18: ધ્રાંગધ્રાના વસાડવાથી પીપળી વચ્ચે મોડી રાત્રે ચાલુ ટ્રેનમાંથી પડી જતા યુવાનું
મૃત્યુ થયું હતું. આ અંગે પોલીસને જાણ કરાતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત
વિગત મુજબ વસાડવા-પીપળી વચ્ચે રાત્રીના સમયે શાલીમાર-ભુજ ટ્રેન પસાર થઇ રહી હતી. તે
સમયે મુકેશ સુરેશભાઈ ચૌહાણ (રહે.બિહાર) ચાલુ ટ્રેનમાંથી પડી જતા માથા સહિતના ભાગોમાં
ગંભીર ઈજા થતા ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. આ અંગે ધ્રાંગધ્રા રેલવે પોલીસના પી.એસ.આઈ.
બાવળિયા, એ.એસ.આઈ. રેવાભાઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહનો કબજો સંભાળી પાટડી
સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ. માટે ખસેડવામાં આવ્યો હતો. મૃતકના ખીસામાંથી આધારકાર્ડ
મળી આવતા પોલીસે તેના આધારે પરિવારનો સંપર્ક કરી બનાવ અંગે પરિવારને જાણ કરવા તજવીજ
હાથ ધરી છે.