• રવિવાર, 13 જુલાઈ, 2025

અમરેલી જિલ્લામાં અપમૃત્યુના 4 બનાવ

અમરેલી, તા.20: અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન અલગ અલગ 4 જેટલા અપમૃત્યુના બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે.

પ્રથમ બનાવમાં ધારી ગામે આવેલ હરીપરા વિસ્તારમાં રહેતા સુરેખાબેન મનોજભાઈ સોજીત્રા નામની 32 વર્ષીય પરિણીતા ગત તા.7ના રોજ રાત્રીના આશરે 8 વાગ્યે ધારી ગામે પોતાના રહેણાંક મકાને ગેસ પર દૂધ ગરમ કરતા હતા તે દરમિયાન ગેસના ચુલાની આગ અચાનક તેણીએ પહેરેલા ડ્રેસ પર લાગતા તેણી દાઝી જતા સારવાર માટે દવાખાને ખસેડાયેલી હતી. જ્યાં તેણીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.

બીજા બનાવમાં પોરબંદર જિલ્લાના ખાપટ ગામે રહેતા રાહુલભાઈ બાલુભાઈ મોઢવાડિયા નામના 21 વર્ષીય યુવક ગત તા.19ના રોજ સવારે 10 વાગ્યે બગસરા ગામે આવેલા અટલજી સર્કલ પાસે કપચી ખાલી કરતી વખતે ડમ્પરનું હાઈડ્રોલીક ઉંચું કરતા ડમ્પરનો પાછળનો ભાગ ઉપર પીજીવીસીએલના ઈલેક્ટ્રિકના તારને અડી જતા યુવકને ઈલેક્ટ્રિક શોક લાગતા સારવાર માટે દવાખાને ખસેડાતા યુવકનું મૃત્યુ નીપજ્યું છે.

ત્રીજા બનાવમાં જુનાગઢ ગામે રહેતા હમીદભાઈ રહીમભાઈ કુરેશી નામના 55 વર્ષીય ડ્રાઈવર ગત તા.4ના સવારે 9-30 વાગ્યે માણેકવાડાથી બગસરા તરફ ધર્મ હોટલ પાસેથી પસાર થતા હતા ત્યારે ટ્રકનું ટાયર ફાટતા ટ્રક પલ્ટી જતા ડ્રાઈવરને માથાના અને કાનના ભાગે ગંભીર ઈજા થતા રાજકોટ ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડયા જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.

ચોથા બનાવમાં રાજુલા તાલુકાના ચોત્રા ગામના વતની અને હાલ ધારી તાલુકાના ઈંગોરાળા ગામે રહેતા રવીનાબેન ધર્મેશભાઈ બાધુભાઈ બોરીચા નામના 22 વર્ષીય પરિણીતાને માનસિક તણાવના કારણે નિંદર ન આવતી હોય અને વિચારવાયુ રહેતું હોય, જેથી ગત તા.19ના રોજ બપોરના આશરે 1 વાગ્યે ઈંગોરાળા (ડું.) ગામે ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લેતા તેણીનું મોત નિપજ્યાનું પોલીસમાં જાહેર થયું છે.

ઇ-પેપરના નવા શુલ્ક