• શનિવાર, 08 ઑગસ્ટ, 2026

જામનગરમાં બાળકીને ડૂમો દઈ હત્યાના કેસમાં પિતા, પુત્રીને આજીવન કેદની સજા

દુષ્કર્મ ગુજારનાર સગીરે કેસ પછી આપઘાત કરી લીધો હતો

જામનગર, તા.11:જામનગરના કૃષ્ણનગરમાં રહેતા ચેતન મુકુંદરાય કલ્યાણીએ નવ વર્ષની બાળકીની માતા સાથે બીજા લગ્ન કર્યા હતા. તારીખ 14-10-17ના બાળકીને છોડી માતા કર્ણાટક ચાલી ગઈ હતી. જ્યારે ચેતન કલ્યાણી, પુત્રી નેહલ કલ્યાણી (27) અને તેનો 17 વર્ષનો સગીર વયનો પુત્ર બાળકીને વિકાસ ગૃહમાંથી ઘરે લાવ્યા હતા. ‘તારી મા મકાન વેચવા દેતી નથી’ તેમ કહી ત્રણેયે બાળકીને ઢોરમાર માર્યો હતો. ચેતનભાઈએ સ્ટમ્પ વડે માર માર્યો હતો. જ્યારે નેહલે પગમાં ડામ દીધા હતા. આ પછી બાળકીના નગ્ન ફોટા પાડીને તેની માતાને મોકલ્યા હતા.

ઘરે આવીને મકાનના કાગળમાં સહી કરી જવા ધમકી આપી હતી એ પછી પણ પોણા બે માસ બાદ ચેતનભાઈના સગીર પુત્રે બાળકી સાથે બળજબરીથી દુષ્કર્મ અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું. આ પછી અવારનવાર બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો. આ પછી 16 જાન્યુઆરી 2018ના ત્રણેયે બાળકીને ઢોરમાર માર્યો હતો. બાળકીની બુમાબુમનો અવાજ પાડોશી સાંભળે નહીં તેથી ટીવીનું વોલ્યુમ ફૂલ કરી નાખ્યું હતું. આ પછી 12-12-2018ના કેતનભાઈના પુત્રે સગીરાને સ્ટમ્પથી માર માર્યો હતો.

એ જ રાત્રે સગીરા સાથે દુષ્કર્મ આચરી સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યું હતું પછી સગીરે પિતાને ફોન કરીને જણાવ્યું હતું કે મેં બાળકી સાથે દુષ્કર્મ કર્યું છે. ત્યારે પિતાએ પુત્રને કહ્યું હતું કે તેનું પૂરું કરી નાખવું હિતાવહ છે. આથી સગીર પુત્રે તકિયાથી મોઢે ડુમો આપીને બાળકીની હત્યા કરી નાખી હતી. આ બનાવ અંગે જે તે સમયે પોલીસ સબ ઈન્સપેક્ટર જે કે મોરીએ ફરિયાદી બનીને ત્રણેય આરોપીઓ સામે જરૂરી કાર્યવાહી કરી હતી. આ કેસ અદાલતમાં ચાલી જતા સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ વી.પી.અગ્રવાલે તમામ દલીલો, પુરાવાઓ, સાહેદો અને જુબાનીને ધ્યાને લઈને આરોપી ચેતન મુકુંદરાય કલ્યાણી અને તેની પુત્રી નેહલબેન કલ્યાણીને આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે. જ્યારે આ કેસના સગીર આરોપીએ થોડા સમય પહેલા આપઘાત કરીને જીવાદોરી ટુંકાવી લીધી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક