• રવિવાર, 20 જુલાઈ, 2025

જામનગરમાં પત્નીના ગર્ભમાં રહેલા બાળકનું મૃત્યુ નીપજાવવાના ગુનામાં પતિની ધરપકડ

જામનગર, તા.18: જામનગરના ગુલાબનગર વિસ્તારમાં આવેલ પ્રભાતનગરમાં રહેતા મનીષાબેન લક્ષ્મણભાઈ સોલંકી નામની 31 વર્ષીય પરિણીતાએ ઘરે બનાવેલું શાક બળી જતા આરોપી પતિ લક્ષ્મણભાઈ સોમાભાઈ સોલંકી એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ડખ્ખો કર્યો હતો. વાત વાતમાં મામલો બિચક્યો હતો અને આરોપીએ પોતાની પત્નીને ઢીકાપાટુનો માર માર્યો હતો એટલું જ નહીં માથાના ભાગે શાકનું તપેલું મારી દીધું હતું. બાદમાં સાવરણી લઈને પત્નીના પેટના ભાગે સાવરણીના બે-ત્રણ ઘા મારી તેણીને ધક્કો મારી દીધો હતો. આથી પરિણીતા નીચે પટકાઈ હતી. જામનગરમાં પ્રાથમિક સારવાર બાદ આરોપીએ પત્નીને કારમાં બેસાડી રાજકોટ માવતરે મોકલી દીધી હતી. મહિલા રાજકોટ પહોંચ્યા બાદ ઝનાના હોસ્પિટલમાં સારવારમાં દાખલ થતા મહિલાના ગર્ભમાં રહેલ પાંચ માસના બાળકનું મોત નીપજ્યાનું ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું. જેને લઈને મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. સીટી એ ડિવીઝન પોલીસે મનીષાબેનની ફરિયાદના આધારે આરોપી લક્ષ્મણભાઈ સોમાભાઈ સોલંકીને પકડી પાડી તેના વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર: ઈલેક્ટ્રિક શોક લાગતા મહિલાનું મૃત્યુ

જામનગર, તા.18: જામનગર શહરેમાં ગુલાબનગર વિસ્તારમાં મામાવાળી શેરીમાં રહેતા ર8 વર્ષીય નંદનીબા મયુરસિંહ જાડેજા નામના મહિલા ગત તા.4/7/રપના રોજ પોતાના ઘરે પાણીની મોટર ચાલુ કરવા જતાં અચાનક ઈલેક્ટ્રિક શોક લાગ્યો હતો. જેથી તેણીને તાત્કાલિક સારવાર અર્થે શહેરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં 13 દિવસની લાંબી સારવાર બાદ તેમણે દમ તોડી દીધો હતો. આ બનાવ અંગે મૃતક પરિણીતાના પતિએ પોલીસને જાણ કરતાં સિટી બી ડિવિઝન પોલીસે હોસ્પિટલ પહોંચી મૃતદેહનો કબજો સંભાળી પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક