• મંગળવાર, 14 એપ્રિલ, 2026

ધ્રોલના ધરમપુરમાં કટીંગ ટાણે LCBએ દરોડો પાડી દારૂ-બિયરના જથ્થા સાથે બેને પકડયા

- સાત વાહન સહિત 1.28 કરોડનો મુદ્દામાલ કબજે : 12ની શોધખોળ

જામનગર, તા.31: જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ધ્રોલ નજીકના ધરમપુર ગામની સીમમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો લાવવામાં આવ્યા પછી તેનું કટીંગ કરાઈ રહ્યું હોવાની બાતમી એલસીબીના દિલીપભાઈ તલાવડીયા, કાસમભાઈ બ્લોચ, યુવરાજસિંહ, મયુરસિંહ, ઋષિરાજસિંહને મળતા પીઆઈ વી.એમ.લગારીયાને વાકેફ કરાયા પછી પીએસઆઈ સી.એમ.કાંટેલીયા તથા પી.એન.મોરીને સાથે રાખી સ્ટાફે ધ્રોલ તાલુકાના ધરમપુર ગામમાં આવેલા અજય ધીરૂભાઈ રાઠોડ નામના શખસના ખેતરમાં દરોડો પાડયો હતો. આ સ્થળે સાત વાહન જેમાં બોલેરો પીકઅપ વાન બે તથા બે ટ્રક મળી આવ્યા હતા અને સ્થળ પર જામનગરના ગુલાબનગર પાસે દયાનંદ સોસાયટીમાં રહેતા ચેતન હરજીભાઈ પરમાર તથા ધુંવાવ નાકા નજીક કોળીવાસમાં રહેતો સંજય કારાભાઈ આસુંદ્રા નામના બે શખસ પણ મળી આવ્યા હતા. આ શખસો ઈંગ્લીશ દારૂનું કટીંગ કરી રહ્યા હતા. એલસીબીએ ત્યાંથી ભારતીય બનાવટની દારૂની 4668 બોટલ તેમજ બીયરના 2760 ટીન કબજે કર્યા છે. તે ઉપરાંત 60 લાખની કિંમતના કુલ સાત વાહન, ત્રણ મોબાઈલ મળી કુલ રૂા.1 કરોડ 28 લાખ 91 હજારનો મુદામાલ ઝબ્બે લીધો છે.

ઝડપાયેલા ચેતન તથા સંજયની પુછપરછ કરતા આ શખસોએ પોતાના બાર સાગરીતના નામ આપ્યા છે. જેમાં ખેતર માલિક અજય ધીરૂભાઈ રાઠોડ, ઉપરોક્ત જથ્થો મંગાવનાર જામનગરના ભોઈવાડાના કોળીવાસમાં રહેતા આકાશ કોળી, મોહસીન, મહંમદ ઈકબાલ ઉર્ફે ટકી તેમજ દારૂનો જથ્થો લેનાર કોળીવાસવાળા પુષ્પા તથા લાલવાડીમાં રહેતા સન્ની કોળી ઉપરાંત કાર ચાલક બંટી, દારૂનો જથ્થો લેનાર જામનગરના લાખા કોળી, ટ્રકચાલક, બે બોલેરોના ચાલક સહીત બારના નામ આપ્યા છે. એલસીબીએ તમામ 14 સામે ધ્રોલ પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવ્યો છે અને 12 આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક