-જેલમાંથી છૂટેલા શખસે ધમકી આપતા યુવકે આપઘાત કર્યો હતો
કેશોદ,
તા.31 : કેશોદના પંચાળા ગામે ખેડૂતે ગત 28 તારીખે આપઘાત કરી લીધાની ઘટનામાં મૃતકના
પત્નીની ફરિયાદ પરથી પતિને મરવા મજબૂર કરનાર બે શખસ સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ
ધરી છે.
કેશોદના
પંચાળા ગામે રહેતા અને ખેતમજૂરી કરતા નાગજીભાઈ ઉર્ફે નરેશભાઈ મકનભાઈ ચુડાસમા (ઉં.29)એના
પત્ની અને પુત્રી માવતરે દિવસો કરવા ગયા હતા ત્યારે 28 તારીખે ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત
કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવ અંગે પોલીસની પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું
હતું કે ગામમાં રહેતા અને હત્યાના ગુનામાં જેલમાંથી છૂટેલા ભરત ઉર્ફે ભૂરો કાંતીલાલ
ચાંચિયા નાગજીભાઈને હેરાન પરેશાન કરી ધમકી આપી ગાળો ભાંડતો હતો. દોઢેક માસ પૂર્વે નાગજીભાઈને
માર મારતા પત્ની રેખાબેન છોડાવવા ગયા ત્યારે તેણે પતિ જોઈએ છે કે બાઈક તેમ કહી પતિને
છોડાવતા ભરતે બાઈક સળગાવી નાખ્યું હતું. તેમજ એક ખૂન કર્યું છે બીજું ખૂન કરી નાખીશ
કહી ધમકી આપતા નાગજીભાઈ ચિંતિત બની ગયા હતા. પોતે ત્રણ મહિના પૂર્વે પોતાનું ટ્રેક્ટર
અઢી લાખમાં કેશોદના કરશનભાઇ સોલંકીને વેચ્યું હોય તેના અઢી લાખ પરત આપતા ન હતા તેની
પણ ચિંતામાં હોવાથી કંટાળીને આ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળતા મૃતકના પત્ની રેખાબેને
ભરત ઉર્ફે ભૂરો ચાંચિયા અને કરશન સોલંકી સામે ફરિયાદ નોંધાવતા પીએસઆઈ જે આર વાઝાએ ગુનો
નોંધી તપાસ હાથ ધરી છે.