બે વર્ષ પૂર્વે બે પ્રસૂતાઓના મૃત્યુ અને ત્રણ મહિલાની કિડની ફેઈલ થવાના કિસ્સામાં હોસ્પિટલની બેદરકારી બહાર આવી
જૂનાગઢ,
તા.ર: જૂનાગઢ હેલ્થ પ્લસ હોસ્પિટલમાં બે વર્ષ પૂર્વે બે પ્રસૂતાઓના મૃત્યુ અને ત્રણ
મહિલાની કિડની ફેઈલ થવાના કિસ્સામાં તપાસ રિપોર્ટમાં હોસ્પિટલના સંચાલકોની બેદરકારી
બહાર આવતા પોલીસે ત્રણ સંચાલકની ધરપકડ કરી છે.
અહીંના
એસ.ટી.રોડ ઉપર લાલબહાદુર શાત્રી સોસાયટીમાં આવેલી હેલ્થ પ્લસ હોસ્પિટલમાં ઓગસ્ટ-2023માં
પી.એમ.જે.વાય. યોજના હેઠળ પાંચ પ્રસૂતા ડિલિવરી માટે દાખલ થઈ હતી. તેમાં ડોક્ટરો તથા
હોસ્પિટલના સંચાલકોની બેદરકારીને કારણે જૂનાગઢના ટીંબાવાડીના હિરલબેન આકાશ મિયાત્રા
અને માણાવદરના જીંજરી ગામની રૂષિતા ભરતભાઈ બાલસના મૃત્યુ થયા હતા. જ્યારે ત્રણ પ્રસુતાની
કિડની ફેઈલ થતા હજુ સારવાર હેઠળ છે. આ પીડિત પરિવારો દ્વારા ન્યાય માટે ઉચ્ચકક્ષાએ
રજૂઆતો કરી હતી. બાદમાં આ અંગે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરાય હતી. તપાસમાં હોસ્પિટલના
ડોક્ટરોની બેદરકારી બહાર આવતા તેમની સામે ગુનો નોંધાતા પોલીસે ધરપકડ કરી હતી. બે મૃતક
પ્રસુતાઓના સિઝેરીયનમાં ડોક્ટરો તથા હોસ્પિટલના સંચાલકોની બેદરકારી તપાસમાં ખૂલતા ‘બી’
ડિવિઝન પોલીસે હેલ્થ પ્લસ હોસ્પિટલના સંચાલકો સલીમ મુસાભાઈ બારેજિયા, જુનેદભાઈ ઝકરિયા
અને સોહિલ હબીબભાઈ સમા સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી.
અત્રે
ઉલ્લેખનીય છે કે, આ હોસ્પિટલે પી.એમ.જે.વાય. યોજનાનો લાભ લેવા દર્દીઓની પરવા ન કરતા
બે પ્રસુતાઓના મૃત્યુ અને ત્રણની કિડનીઓ ફેઈલ થતા મોટો હોબાળો મચ્યો હતો. સરકારે તપાસના
આદેશ આપતા ડોક્ટરો બાદ હોસ્પિટલના સંચાલકોની ધરપકડ કરાય છે.