• ગુરુવાર, 18 જૂન, 2026

અમદાવાદના શકરી તળાવમાં હોડી ઊંધી વળતા ત્રણ યુવાન ડૂબ્યા બે યુવાનના મૃતદેહે બહાર કાઢયા, એકની શોધખોળ

અમદાવાદ, તા.2 : અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા શકરી તળાવમાં ચાર યુવક કોર્પોરેશનની પાણીમાંથી ગંદકી કાઢવાની બોટ લઈને અંદર ગયા હતા. જોકે એક યુવક થોડીવારમાં જ બોટમાંથી ઉતરી ગયો હતો. જ્યારે બાકીના ત્રણ યુવાન અંદર ગયા હતા. આ દરમિયાન બોટ ઉંધી વળી જતા ત્રણેય યુવક ડૂબી ગયા હતા. જેમાંથી બે યુવકના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે એક યુવકની શોધખોળ કરવામાં આવી રહી છે.

આ અંગે મળેલી પ્રાથમિક માહિતી અનુસાર ફાયર વિભાગની બે ટીમ દ્વારા બે છોકરાના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં 18 વર્ષનો પપ્પુ ચાવડા અને 21 વર્ષે વિશાલ કિશોર ચાવડાનો સમાવેશ થાય છે. દરમિયાન જે બોટ લઇને યુવાનો ગયા હતા, તે બોટને ફાયરબ્રિગેડ દ્વારા બહાર કાઢવામાં આવી છે. તેમજ ઘટનાસ્થળે સિક્યુરિટી ગાર્ડ ના હોવાની વાત પણ સ્થાનિકો પાસેથી જાણવા મળી છે.  

ઝોન 7 ડીસીપી શિવમ વર્માના જણાવ્યા પ્રમાણે, સાંજે 3 યુવક તળાવમાં અંદર ગયા હતા. આ સમયે બોટ ઊંધી વળી ગઇ હતી. જેમાંથી બેના મૃતદેહ બહાર કાઢી લેવામાં આવ્યા છે. આ યુવાનો ક્યાંથી નીકળ્યા હતા અને કેમ ગયા હતા તે તપાસનો વિષય છે.  જ્યારે ઘટનાસ્થળે પહોંચેલા વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે જણાવ્યું હતું કે,  આ નિર્માણધીન તળાવ છે. વરસાદના પાણી ભરાયા હતા, પાણીમાં જે ગંદવાડ હોય તે હટાવવા બોટ અહીં હોય છે. આ બોટ લઇને આ યુવાનો અંદર ગયા હતા. બોટનો ઉપયોગ કયા કારણસર કર્યો તે અંગે તપાસ કરીને જ ખ્યાલ આવશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક