પોરબંદરના
અસંખ્ય નાના ધંધાર્થીઓની રકમ ફસાઇ
પોરબંદર,
તા.10: પોરબંદરના સોની બજારમાં દુકાન ધરાવતા વેપારીએ ડેઇઇલી કલેકશન યોજના હેઠળ દાગીના
બનાવી આપવાનો વિશ્વાસ આપીને અનેક નાના ધંધાર્થીઓને બોટલમાં ઉતારીને તેમની રકમ ઉઘરાવ્યા
બાદ અચાનક ફરાર થઇ જતા અસંખ્ય લોકો ચિંતામાં મુકાઇ ગયા છે અને મામલો પોલીસ મથક સુધી
પહોંચ્યો છે.
પોરબંદરમાં
છેલ્લા ત્રણ-ચાર વર્ષથી હપ્તે-હપ્તે રકમ આપીને દાગીના બનાવી આપવાની લાલચ આપીને ખાપટ
વિસ્તારમાં રહેતા સોની વેપારીએ અસંખ્ય લોકોને વિશ્વાસમાં લીધા હતા અને તેની વાતમાં
ફસાઇને પોરબંદરની મચ્છી માર્કેટ વિસ્તારની અનેક મહિલાઓથી માંડીને નાના માચ્છીમારો,
ટકેટકનું કરતા રેકડી-કેબીન ધારકો, ખાણીપીણીના ધંધાર્થીઓ વગેરેએ આ સોની વેપારી પાસે
દૈનિક બચતની મરણમૂડી સમી રકમ જમા કરાવી હતી.
‘રાધે...
રાધે’ તરીકે ઓળખાતો આ વેપારી ‘ડેઇલી કલેક્શન’ શરૂ કરીને તેના ગ્રાહકોને બાંધીને દરરોજ
પૈસા ઉઘરાવવા માટે જતો હતો અને દાગીના બનાવી આપશે તેમ જણાવતો હતો પરંતુ ચોક્કસ વર્તુળો
પાસેથી પ્રાપ્ત પ્રમાણે છેલ્લા દોઢેક વર્ષથી આ ઇસમ કોઇ રીતે આર્થિક મુશ્કેલીમાં ફસાઇ
ગયો હતો.
જન્માષ્ટમીના
તહેવારો પછી અચાનક જ આ વેપારીનો મોબાઇલ ફોન બંધ થઇ જતા તેને નાણા આપનાર કેટલાક લોકોને
એવું લાગ્યું કે કદાચ જન્માષ્ટમીનો તહેવાર છે એટલે ફરવા ગયો હશે પરંતુ ત્યાર બાદ શ્રાવણ
મહિનો પૂર્ણ થયો હોવા છતાં તેનો ફોન બંધ આવતો હોવાથી લોકો ચિંતામાં મુકાઇ ગયા હતા.
સોની
બજારમાં તપાસ કરવાની સાથો સાથ અમુક લોકો તો તેના ખાપટના ઘર સુધી પહોંચી ગયા હતા પરંતુ
તેના ઘરે તાળા લટકતા જોવા મળ્યા હતા અને બારીમાંથી તપાસ કરતા સામાન પણ ત્યાં જ હોવાનું
જણાવ્યું હતું. આજુ બાજુમાં તપાસ કરવામાં આવતા અનેક લોકો એ વેપારીને શોધતા હોવાનું
જાણવા મળ્યું છે.
જેમના
રૂપિયા ફસાયા છે તેવા લોકો કીર્તિ મંદિર પોલીસ મથક સુધી પહોંચી ગયા હતા અને સમગ્ર બનાવની
જાણ પોલીસને પણ કરી છે અને એકાદ બે દિવસમાં આ વેપારી સામે ગુનો દાખલ થાય તેવી શક્યતા
જણાઇ રહી છે.