• શનિવાર, 05 સપ્ટેમ્બર, 2026

તળાજાના રાજપરા-2 નજીક અકસ્માતમાં બેનાં મૃત્યુ

વહેલી સવારે વાડીએ જતા બન્ને ખેડૂતને કાળ આંબી ગયો : અકસ્માત સર્જી વાહનચાલક ફરાર

તળાજા, તા.10: તળાજામાં ભાવનગર નેશનલ હાઈવે પર આજે વહેલી સવારે રાજપરા-2 અને ઉંચડી ગામના ખેડૂત બાઈક પર જતા હતા ત્યારે બન્નેને ટ્રક જેવા વાહને બાઇક સાથે જ કચડી નાખતા હાઈવે રક્ત રંજિત બન્યો હતો. વાહન ચાલક વિરુદ્ધ મૃતક ખેડૂતના ભત્રીજાએ અલંગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરાર વાહન ચાલકને શોધી કાઢવા પોલીસ સીસીટીવી સહિતના માધ્યમથી તપાસ હાથ ધરી છે.

રાજપરા (તણસા) ગામના ખેડૂત જીવરાજભાઈ ભવાનભાઈ ધામેલિયા (ઉં.60) અને ઉંચડી (ગોપનાથ)ના રહેવાસી શામજીભાઈ છગનભાઈ જાદવ (ઉં.50)ને બાઇક પાછળ બેસાડી ગામની નજીક જ આવેલી વાડીએ જતા હતા. તે સમયે અજાણ્યા વાહન ચાલકે બાઇકને અડફેટે લઇ અકસ્માત સર્જ્યો હતો. જેમાં બન્નેના સ્થળ પર જ કમકમાટી ભર્યા મૃત્યુ થયા હતા. બનાવની જાણ થતાં જ ગ્રામજનો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે, શામજીભાઈના મૃતદેહને ગોદડામાં પોટલુંવાળીને લઇ જવો પડયો હતો. શામજીભાઈ જાદવ પાંચ સંતાનોના પિતા હતા.

મૃતક જીવરાજભાઈના ભત્રીજા પ્રકાશ કુરજીભાઈ ધામેલીયાએ ફરાર થઇ ગયેલા વાહન ચાલક વિરુદ્ધ અલંગ પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી છે. અકસ્માતને પગલે તાલુકા પંચાયતના પ્રમુખ રાણાભાઇ સોલંકી, પૂર્વ ઉપપ્રમુખ પંકજ વ્યાસ, તાલુકા ભાજપના પ્રમુખ મેહુલ ડાંગર સહિતના સરકારી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક