• મંગળવાર, 12 મે, 2026

મહીયારીની હાઇસ્કૂલની વિદ્યાર્થિની સાથે શિક્ષકે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ

પોલીસે ગુનો નોંધ્યા બાદ સી.સી.ટી.વી. ફૂટેજના આધારે હાથ ધરી તપાસ

પોરબંદર તા.10 : પોરબંદરના મહીયારી ગામે હાઇસ્કૂલની નવમા ધોરણની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની શિક્ષક સામે જ પોલીસ ફરિયાદ દાખલ થતા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.

બનાવની વિગત એવી છે કે પોરબંદરના કુતિયાણા નજીક આવેલા મહીયારી ગામે હાઇસ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષક વિક્રમ પરમાર સામે તેની શાળામાં અભ્યાસ કરતી નવમા ધોરણની એક વિદ્યાર્થિનીએ એવો આક્ષેપ કર્યો હતો કે કેટલાક દિવસો પહેલા તેની શાળાના શિક્ષક વિક્રમે તેના ઉપર દુષ્કર્મ ગુજાર્યુ છે. આ પ્રકારની તેના પરિવારજનોને વાત કરતા ઘરના સભ્યો ચોંકી ઉઠયા હતા અને તાત્કાલિક વિદ્યાર્થિની સાથે થયેલી દુષ્કર્મની ઘટના અંગે કુતિયાણા પોલીસને જાણ કરી હતી અને કુતિયાણા પોલીસ દ્વારા પણ આ બનાવમાં સગીરાનું નિવેદન લઇને તપાસ હાથ ધરવામાં આવી હતી અને ત્યાર બાદ પોકસો સહિતની કલમો હેઠળ શિક્ષક વિક્રમ પરમાર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આ મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ થયો છે અને સગીરાએ કરેલા આક્ષેપ પ્રમાણે પુરાવા એકત્ર કરવાની અને સત્ય બહાર લાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તથા જવાબદાર શિક્ષક સામે ગુનો નોંધાયો હોવાથી ધરપકડ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસે આ બનાવમાં સી.સી.ટી.વી. ફૂટેજ તપાસવા સહિતની કામગીરી હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક