ધ્રાંગધ્રા:
ધ્રાંગધ્રા તાલુકાના હિરાપુર ગામમાં તસ્કરોએ
બે અલગ-અલગ મંદિરના તાળા તોડી ચાંદીના દાગીના તેમજ સોનાની બીંદી સહિત રૂ.
57,500ના મુદ્દામાલની ઉઠાંતરી કરતા ચકચાર મચી
છે. આ અંગે મંદિરમાં સેવા પૂજા કરતા પૂજારીએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
હિરાપુર ગામમાં આવેલ રામજી મંદિરનું તાળું વહેલી
સવારે સેવા પૂજા કરતા પૂજારીએ તૂટેલી હાલતમાં જોતા આ અંગે ગામના આગેવાનોને જાણ કરી
હતી. બાદ મંદિરમાં જઈ તપાસ કરતા રામ, લક્ષ્મણ, સીતા તેમજ ગણપતિ, પાર્વતી અને કૃષ્ણ
ભગવાનની મૂર્તિઓ પર પહેરાવેલ સોના ચાંદીના દાગીના, અન્ય ચીજવસ્તુઓ મળી કુલ રૂ.48 હજારના
મુદ્દામાલની ચૌરી થઈ હોવાનું સામે આવ્યું હતું.
આ ઉપરાંત
હિરાપુર ગામની સામમાં આવેલ ચરમાળીયા દાદાના મંદિરનું પણ તાળુ તોડી મંદિરના ગર્ભ ગૃહમાં
ચરમાળીયા દાદાની મૂર્તિ પર રહેલ ચાંદીના છતર, ચાંદીનો હિંડોળો, નાગ દેવતાની ચાંદીની
ફેણ સહિત કુલ રૂ. 9.500ના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો નાસી છુટયા હતા.
એક રાતમાં એક જ ગામમાં અલગ-અલગ બે મંદિરમાં તસ્કરોએ
કુલ રૂ.57,5000ના મુદ્દામાલની ચોરી કરતા સમગ્ર ગામમાં ચકચાર મચી છે. પોલીસ પેટ્રોલિંગ
વધારવામાં આવે તેવી માગણી થઈ છે. રામજી મંદિરના પૂજારી જલારામદાસ રામાનુજે ફરિયાદ નોંધાવતા
પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.