• બુધવાર, 22 જુલાઈ, 2026

ગાંધીનગરમાં મહિલા કોન્સ્ટેબલની હત્યા કરનાર પ્રેમી મિત્ર ઝડપાયો મહિલાએ લગ્ન કરવાનું કહેતા પતાવી દીધી

અમદાવાદ, તા.1: 30 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર સેક્ટર-24 પાઠય પુસ્તક મંડળના ક્વાર્ટર્સના બ્લોક નં.752ના મકાન નં.5માંથી એક પોલીસ કોન્સ્ટેબલ 32 વર્ષીય રીંકલબેન હસમુખભાઈ વણઝારાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસમાં  આરોપી અમરેલીના મોહન નાગજીભાઈ પારઘીને લોકલ ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધો છે.

માહિતી મુજબ આરોપી અમરેલી હોવાની બાતમી મળતા એલ.સી.બી.ની એક ટીમ અમરેલી ખાતે રવાના થઈ હતી. જ્યાં એલ.સી.બી.એ મોહનને રાઉન્ડઅપ કરી એલ.સી.બી. કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં તેની પુછપરછ કરતા તેણે ગુનો આચર્યો હોવાની કબૂલાત કરી હતી.

નોંધનીય છે કે, મૃતક ભાવનગરના વતની હતા અને અમદાવાદ શહેર શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા હતા. મૃતક રીંકલબેન તથા આરોપી મોહન નાગજીભાઈ પારઘી બંન્ને વર્ષ 2011-12માં અમરેલી ખાતે સાથે કોલેજ કરતા હતા અને બંન્ને સંપર્કમાં હતા. જો કે, બાદમાં આરોપીના 2015ની સાલમાં લગ્ન થઈ જતા રીંકલબેન સાથે સંબંધ ઓછા કરી નાખ્યા હતા. જાણવા મળ્યા મુજબ, મોહન પરિણીત હોવાથી અને લગ્નને દસેક વર્ષ જેવો સમય થયો હોવાથી તેણે લગ્ન કરવાની ના પાડી હતી. તેથી વાતચીત દરમિયાન આ બાબતે ઝગડો થતા મૃતક રીંકલબેનને ઘરમાં રહેલ કપડા વડે શ્વાસ રૂંધાઈ જાય તે રીતે મોઢા ઉપર કપડુ દબાવી દઈ હત્યા કરી હતી. હત્યા કરી આરોપી એસ.ટી.બસ મારફતે અમરેલી જતો રહ્યો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક