• શનિવાર, 24 જાન્યુઆરી, 2026

વડોદરામાં વિદેશ મોકલવાનું કહી યુવક સાથે રૂ. 10 લાખની છેતરપિંડી

દંપતીએ રૂપિયા પડાવી ફાસ્ટફૂડનો ધંધો શરૂ કરી દીધો

વડોદરા, તા.2 : વડોદરામાં વિદેશ મોકલવાના બહાને છેતરાપિંડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. કારેલીબાગ વિસ્તારમાં વિઝા કન્સલ્ટિગનું કામ કરતા એક દંપતીએ યુ.કે. મોકલવાના નામે યુવક પાસેથી રૂ.10 લાખ પડાવી લીધા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

સમા વિસ્તારની રાંદલધામ સોસાયટીમાં રહેતા ભાવેશ પારેખે પોલીસ ફરિયાદમા જણાવ્યું હતું કે, ડિસેમ્બર 2022માં યુકેની વર્ક પરમિટ મેળવીને ત્યાં જવા માટે તેમણે આણંદના અને વડોદરાના વીઆઈપી વ્યુ કોમ્પ્લેક્સમાં સાદરી ઈમિગ્રેશન નામે કન્સલ્ટિગ ઓફિસ ચલાવતા હાર્દિક ભરતભાઈ સોની અને તેની પત્ની શ્રેયા દિનેશભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો. આ દંપતીએ શરૂઆતમાં યુકે જવા માટે રૂપિયા 15 થી 18 લાખનો ખર્ચ થશે તેમ જણાવતા ભાવેશે રૂ.10 લાખ જેટલી રકમ આપી હતી. જોકે, લાંબા સમય સુધી કામ ન થતાં ભાવેશે તપાસ કરતા જાણવા મળ્યું કે, દંપતીએ ઓફિસ બંધ કરી દીધી હતી અને પત્ની શ્રેયાના નામે અમિત નગર બ્રિજ પાસે ફાસ્ટ ફૂડનો ધંધો શરૂ કરી દીધો હતો. આખરે છેતરાયાનો અહેસાસ થતાં ભાવેશે દંપતી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક