• મંગળવાર, 17 ફેબ્રુઆરી, 2026

રાજુલામાં જમીનના વિવાદમાં કૌટુંબિક કાકાએ બે ભત્રીજા પર કાર ચડાવી દઈ ઈજા પહોંચાડી

કોર્ટમાં કરેલા કેસ બાબતે માથાકૂટ કરી જીવલેણ હુમલો કર્યો

અમરેલી, તા.2: રાજુલામાં એક જમીનના વિવાદના કારણે કૌટુંબિક કાકાએ પોતાના બે ભત્રીજાને મારી નાખવાના ઈરાદે ફોર વ્હીલ માથે ચડાવી દઈ માર મારી એકના હાથ પગ ભાંગી નાખ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

આ બનાવમાં રાજુલા ગામે આવેલ બીડી કામદાર વિસ્તારમાં ખાખબાઈ રોડ, 66 કેવીની બાજુમાં રહેતા મહેબુબભાઈ હકીમભાઈ જોખીયા નામના 44 વર્ષીય ખેડુતને તેમના કુટુંબી કાકા જાફરભાઈ ઉંમરભાઈ જોખીયાને રાજુલા ખાતે બાયપાસ રોડ પાસે આવેલ એક જમીન અંગેની માલિકી બાબતનો વિવાદ ચાલતો હોય, તે બાબતે રાજુલા કોર્ટમાં કેસ કરેલ હોય તે કેસ પાછો ખેંચી લેવા તથા આ ખેડૂતની 44 વીઘા જમીન લઈ લેવા માટે ગત તા.1ના રોજ આ ખેડૂત તથા તેમનો ભાઈ ફિરોજ કોર્ટમાંથી મોટર સાયકલ લઈ ઘરે જતો હતો. તે દરમિયાન આરોપી જાફરભાઈ તથા તેના ભાઈનો દીકરો રૈયાઝ રસુલભાઈ જોખીયા તથા યુસુફભાઈ નાથાભાઈ જીરૂકા સહીત ત્રણેય આરોપી ફોર વ્હીલ ગાડી નંબર જીજે-01કેજી-7723ની લઈ આ ખેડૂત તથા તેમના ભાઈને મારી નાખવાના ઈરાદે ફોર વ્હીલ ગાડી તેમના ઉપર ચડાવી દઈ પછાડી દીધા હતા. આરોપીએ લોખંડના પાઈપ વડે ખેડૂત ઉપર જીવલેણ હુમલો કરી પાઈપ વડે આડેધડ ઘા ખેડૂતના બંને હાથ તથા બંને પગ ભાંગી નાખી ગંભીર અને જીવલેણ ઈજાઓ કરી હતી. જ્યારે તેમના ભાઈને માથામાં ઈજા કરી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક