મોહનભાઈ અને તેના પુત્ર જયેશ
સારવાર હેઠળ
ગોંડલ, તા.3: ગોંડલના અનિડા ભાલોડી
ગામે રહેતા પ્રૌઢે તેના સાળાના દીકરાની લગ્ન તેના જ ગામે રહેતા એક પરિવારની દીકરી સાથે
કરાવ્યા બાદ દીકરી પિયરમાં માતાના ઘરે જતી ન હોય જે બાબતનો ખાર રાખી દીકરીની માતા,
ભાઈ અને બહેને ઘરમાં ઘૂસી હુમલો કરતા ફરિયાદ થઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ, અનિડા ભાલોડી
ગામે રહેતા મોહનભાઈ હીરાભાઈ વિઝુડા (ઉ.વ.પ7)એ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી
કે તેમના સાળા જગદીશભાઈના દીકરા હિતેશની પાંચ વર્ષ પૂર્વે સગાઈ તેમના જ ગામમાં રહેતા
કંચનબેન વિઝુડાની દીકરી ભારતી સાથે કરાવી હતી ત્યારબાદ તેના સાળાનો દીકરો અને તેના
ગામની દીકરી બન્ને રાજકોટ રહેવા જતા રહ્યા હતા પરંતુ દીકરી ભારતી તેના માતા પિતાના
ઘરે કોઈપણ કારણોસર આટો દેવા જતી ન હોય અને માતા પુત્રીને કોઈપણ કારણસર મનમેળ ન હોય
તે તેના પિયર જતી ન હતી. જે બાબતનો ખાર રાખી કંચનબેન વિઝુડા, મોહનભાઈ હીરાભાઈ વીજુડાના
ઘરે આવ્યા હતા અને મોહનભાઈના દીકરા જયેશ સાથે બોલાચાલી કરી વાળ પકડી ઝઘડો કર્યો હતો
અને ઝપાઝપી કરી હતી જે અંગેની જાણ તેમને કરવામાં આવતા મોહનભાઈ વાડીએથી ઘરે આવ્યા બાદ
ફરી કંચનબેન તેની નાની દીકરી બીના અને પુત્ર જીજ્ઞેશ સાથે મોહનભાઈના ઘરે આવી બોલાચાલી
કરી લોખંડની સ્ટીલની ડોલ લઈ માથામાં ઝીકી દેતા ઈજા કરી હતી. આ અંગે મોહનભાઈની ફરિયાદ
પરથી ગોંડલ તાલુકા પોલીસે આરોપી કંચનબેન વિઝુડા, પુત્ર જીજ્ઞેશ વિઝુડા અને પુત્રી બીના
જીગડીયા સામે ગુનો દાખલ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.