ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર અંગે
પ્રશ્નો પૂછતા ડખ્ખો થયો : સરપંચ સહિત 13 વિરૂધ્ધ ફરિયાદ
સાવરકુંડલા, તા.3: સાવરકુંડલાના
દોલતી ગામે યોજાયેલી ગ્રામ સભામાં ગ્રામ પંચાયતમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે પ્રશ્નો કરવાના
મામલે મોહનભાઇ બાલાભાઇ પરડવા પર હુમલો થતા સરપંચ સહિત 13 વ્યક્તિ વિરૂધ્ધ ફરિયાદ નોંધાઇ
છે.
પ્રાપ્ત વિગત મુજબ દોલતી ગામમાં
રહેતા મોહનભાઇ પરડવાએ સાવરકુંડલા પોલીસમાં સરપંચ સહિત 13 વ્યક્તિઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી
છે. મોહનભાઇએ ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઇ કાલે દોલતી ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ સભાનું
આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર વિશે એક જાગૃત નાગરિક તરીકે
જાહેર જનતાને જાણ થાય તે માટે તેણે લેખિતમાં પ્રશ્નોનો જવાબ આપવા જણાવ્યું હતું. આ
સભાના આયોજન અંગે તેણે સરપંચને ફોન કરી ગાંધી જયંતિ નિમિતે ગ્રામ સભાનું આયોજન કર્યુ
છે કે કેમ ? કહેતા સરપંચે હા પાડી હતી. ગઇ કાલે ગ્રામ સભામાં તલાટી કમ મંત્રી તથા તાલુકા પંચાયત કચેરીના કર્મચારી
બહેન તથા ગામ લોકો હાજર હતા. આ સભામાં ઉપરોકત તમામ આરોપીઓ પણ હાજર હતા. મોહનભાઇએ પ્રશ્ન
જે લેખિતમાં હતા તેના જવાબ માટે ગ્રામ સભાના અધિકારીઓ તથા સરપંચ પ્રશ્ન વાંચી સંભાળી જવાબ આપવા જણાવેલ ત્યારે ગામના સરપંચ ઉશ્કેરાઇ ગયેલ અને તેના ઇશારે ઉપરોકત
આરોપીઓએ ઢીકા પાટુના માર મારી અને મારૂ ગળુ દબાવી જાનથી મારી નાખવા પ્રયાસ કરેલ તે
સમય ગામની મહિલાઓ દોડીને આવી અને આરોપીઓના મારમાંથી બચાવ્યા હતા. આ અંગે પોલીસે તપાસ
હાથ ધરી છે.