• સોમવાર, 10 નવેમ્બર, 2025

જેતપુર: “હું તમારી ભત્રીજી છું, લખાણની શી જરૂર?’’ કહી કાકી સાથે 60,000ની છેતરાપિંડી

દસ્તાવેજ નોટરી કરાવવાના સમયે ભત્રીજીએ સગપણ યાદ કરાવ્યું

જેતપુર, તા. 5: જેતપુરમાં એક સગી ભત્રીજીએ પોતાની વૃદ્ધ કાકીને જ પ્લોટ વેચવાના બહાને રૂ. 60,000નો ચૂનો ચોપડી દીધો હતો. પાંચ-પાંચ વર્ષ સુધી પૈસા પાછા ન આપી અંતે ધમકી આપતા, મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. જેતપુર ઉદ્યોગનગર પોલીસે ભત્રીજી વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરાપિંડીનો ગુનો દાખલ કર્યો છે.

ફરિયાદની વિગતો મુજબ, હાલ શાપર-વેરાવળ ખાતે મજૂરીકામ કરી ગુજરાન ચલાવતા 60 વર્ષીય ચંપાબેન દેવજીભાઈ મણવર આજથી પાંચ વર્ષ પહેલા જેતપુરના નવાગઢ  રહેતા હતા. તે સમયે તેમની સગી ભત્રીજી સોનલબેન ઉર્ફે કાળીબેન લલીતભાઇ ચાવડાએ તેમને ઘર પાસેનો એક પ્લોટ વેચવાની વાત કરી. પ્લોટનો સોદો રૂ. 60,000માં નક્કી થયો હતો.

ભત્રીજી પર પૂરો ભરોસો રાખીને, ચંપાબેને તેમના પુત્ર કાળુભાઇ, સાસુ આલુબેન તથા જેઠ નરશીભાઈની હાજરીમાં સોનલબેનને રૂ. 60,000 રોકડા ચૂકવી દીધા હતા. સોનલબેને ચતુરાઈ વાપરીને પ્લોટના બદલે તેના પર રહેલા જૂના ઈમલાનું લખાણ કરવાની વાત કરી અને તે મુજબ સ્ટેમ્પ પેપર પર લખાણ તૈયાર કરાવ્યું છે. પરંતુ જ્યારે દસ્તાવેજને નોટરી કરાવવાનો સમય આવ્યો, ત્યારે સોનલબેન ફરી ગઈ અને કહ્યું, “હું તમારી સગી ભત્રીજી થાઉં છું, હું તમારા પૈસા લઈને ક્યાંય જવાની નથી, આપણે સગા છીએ, તમારે લખાણની શું જરૂર છે?’’ આમ કહીને તેણે નોટરી કરવા દીધી ન હતી.

થોડા સમય પછી જ્યારે ચંપાબેને પ્લોટ પર બાંધકામ માટે પાયા ખોદાવ્યા, ત્યારે સોનલબેન ત્યાં પહોંચી ગઈ અને ગાળાગાળી કરીને કામ અટકાવી દીધું. “આ પ્લોટ મારો છે, અહીં કોઈ બાંધકામ કરતા નહીં’’ એમ કહીને પ્લોટ પર ગેરકાયદે કબ્જો કરી લીધો હતો.

પોતાની સાથે થયેલ છેતરાપિંડી સમજાતા ચંપાબેને પૈસા પાછા માંગ્યા હતા. વર્ષોના વાયદા અને અંતે મળેલી ધમકીથી કંટાળીને ચંપાબેને જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

2028 ઓલિમ્પિકમાં ભારત-પાકિસ્તાનની ટક્કર નહીં આઇસીસીના નવા ક્વોલીફિકેશન નિયમ જાણવા જેવા November 10, Mon, 2025