ઘાટવડમાં શિકારની શોધમાં સિંહો પેટ્રોલપંપ સુધી આવી ચડ્યા, રખડતા પશુનું મારણ કરી માણી મિજબાની
કોડીનાર
તા.2: કોડીનાર તાલુકાના ઘાટવડ ગામે ફરી એકવાર ગીરના રાજાઓના ધામા જોવા મળ્યા છે. શિકારની
શોધમાં આવેલા સિંહો ગામના પેટ્રોલ પંપ સુધી આવી પહોંચ્યા હતા. ગામમાં રખડતા પશુનું
મારણ કર્યા બાદ સિંહોએ પેટ્રોલપંપ પર જ મિજબાની માણી હતી.
પેટ્રોલપંપ
પર સિંહોના આ શાહી લટારના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ગ્રામ્ય વિસ્તારમાં ચકચાર
મચી ગઈ છે. સીસીટીવી દૃશ્યોમાં સિંહોને નિર્ભય રીતે લટાર મારતા અને ખોરાક માણતા જોવા
મળ્યા છે તેમજ સરખડી ગામે વોલીબોલના મેદાનમાં સિંહણ લટાર મારતી જોવા મળે છે હમણાં થોડા
દિવસ પહેલા 8 સિંહએ સીધાજ ગામે રખડતી ગાયનું માંરણ કર્યું હતું. ગીર જંગલની બોર્ડર
પર આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી સિંહોના આંટાફેરા સામાન્ય બની ગયા
છે. ખોરાકની શોધમાં સિંહ પરિવાર વારંવાર ગામની હદ સુધી આવી પહોંચે છે. સદનસીબે અત્યાર
સુધી કોઈ માનવજીવ સાથે સિંહોનું ઘર્ષણ થયું નથી, પરંતુ વન્યપ્રાણીઓના વધતા વસવાટ અને
વારંવાર ગ્રામ્ય વિસ્તારો સુધીના આગમનને કારણે લોકોમાં ભયનો માહોલ ઊભો
થયો
છે.
સ્થાનિક
લોકોએ માંગ કરી છે કે, વન વિભાગે ખોરાકની શોધમાં રહેણાંક વિસ્તારોમાં આવી ચડતા વન્યપ્રાણીઓને
સુરક્ષિત રીતે પાછા જંગલ વિસ્તારમાં ખસેડવાની તાત્કાલિક કાર્યવાહી કરવી
જોઈએ.