તળાજા, તા. 3: તળાજાના ઉચડી ગામના સરપંચના પુત્ર સહિત આરોપીઓ ઇકો કારમાં વિદેશી દારૂની ખેપ મારવા ગોપનાથ-પીથલપુર વચ્ચેથી પસાર થતા હતા ત્યારે પોલીસે બાતમીના આધારે ત્રણ શખસને ઝડપી પાડયા હતા જ્યારે એક આરોપીના ઘરે પણ દરોડો પાડવામાં આવ્યો હતો.
ગોપનાથ
નજીકના રાજપરા ગામ તરફથી ઇકો કારમાં વિદેશી દારૂ લાવવામાં આવી રહ્યાની બાતમીના આધારે
દાઠા પોલીસ વોચમાં હતી. દરમિયાન એક ઇકો કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની 70
બોટલ મળી આવી હતી જ્યારે સહદેવ વિક્રમભાઈ કાચેલા (ઉં.વ.22), પ્રકાશ વાલજીભાઈ ગોહિલ
(ઉં.વ.27), ઉચડી ગામના સરપંચ પુત્ર જગદીશ લખમણભાઈ ખેર (ઉં.વ.40) નામના શખસો મળી આવ્યા
હતા. ઝડપાયેલા શખસોએ નાશી છૂટનાર અશ્વિન જીવનભાઈ મકવાણા (રે.રાજપરા) વાડી માલિક હોવાનું
કબુલ્યું હતું. પોલીસે રૂ.73,500નો દારૂનો જથ્થો, મોબાઈલ અને કાર મળી કુલ રૂ.5,03,500નો
મુદ્દામાલ કબ્જે કર્યો હતો જ્યારે પોલીસે સહદેવ કાચેલાના ઘરે રેડ કરતા ત્યાંથી પણ દારૂની
બોટલ કબજે કરી તેના ભાઈ કલ્પેશ વિરુદ્ધ અલગથી ગુનો નોંધ્યો હતો. દાઠા પોલીસ મથકના કોન્સ્ટેબલ
દિગ્વિજયાસિંહ સરવૈયાએ બનાવને લઈને ફરિયાદ નોંધાવી હતી. દાઠા પી.આઈ. ચેતન મકવાણાએ બનાવ
મામલે ઉમેર્યું હતું કે, ઉચડી ગામના સરપંચ પુત્ર અને આ કેસના આરોપી જગદીશ ખેર વિરુદ્ધ
અગાઉ મારામારી, એટ્રોસીટી, દારૂ સહિતના અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે.