અમદાવાદ, તા.4: અમદાવાદના ચકચારી જીતેન્દ્ર હીરાગર કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બેટિંગ અને જુગારની ગેરકાયદે પ્રવૃતિઓથી કમાયેલા કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહારો પર ઈડીએ સકંજો કસ્યો છે. ઈડીએ જીતેન્દ્ર હીરાગર અને તેના સાગરીતોના 300થી વધુ બેંક ખાતામાંથી કુલ રૂ.35.80 કરોડની રકમ જપ્ત કરી છે. આ જપ્ત કરાયેલા નાણા બેટિંગ (સટ્ટાબાજી), જુગાર અને ગેરકાયદે પ્રવૃતિઓ દ્વારા કમાવવામાં આવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
ઈડી
દ્વારા આ કેસમાં 99પથી વધુ બેંક એકાઉન્ટ્સની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ચોંકાવનારો
ઘટસ્ફોટ થયો છે કે આ 995 બેંક એકાઉન્ટ્સમાં કુલ રૂ.1000 કરોડથી વધુના વ્યવહાર થયા હતા.
આ ગેરકાયદે વ્યવહારોને છુપાવવા માટે આરોપીઓએ ખોટા ડોક્યુમેન્ટ્સના આધારે 448 જેટલા
બેંક ખાતા ખોલાવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ કેસમાં સામે આવેલા રૂ.1000 કરોડથી
વધુના વ્યવહારો સૂચવે છે કે આ ગેરકાયદે રેકેટનું નેટવર્ક ઘણુ મોટુ અને વ્યાપક હતું.
ખોટા દસ્તાવેજોના આધારે ખોલાયેલા સેંકડો ખાતાઓનો ઉપયોગ માત્ર ગેરકાયદે નાણાને છુપાવવા
અને ફેરવવા માટે કરવામાં આવતો હતો. ઈડી હવે આ નેટવર્કના અન્ય અને આ મોટા વ્યવહારો પાછળ
કોણ કોણ સંડોવાયેલું છે, તેની ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.