રાજકોટ, તા.4 (ફૂલછાબ ન્યૂઝ) : માવઠાંને લીધે મગફળીની ગુણવત્તા અને પાકમાં વ્યાપક બગાડ થવાને લીધે હવે તેલ મિલ ઉદ્યોગ ક્યારથી પીલાણનો આરંભ કરશે એ મોટો સવાલ થઇ ગયો છે. સામાન્ય વર્ષોમાં નવરાત્રિ કે દશેરાથી ધીરે ધીરે તેલ મિલમાં પીલાણ શરૂ થઇ જતું હોય છે. આ વર્ષે હજુ વરસાદ ચાલુ હોવાને લીધે તેલ મિલો મગફળીનું પીલાણ કરી શકે તેમ નથી.મગફળીમાં ભેજ લાગી જતા હવે આફ્લાટોક્સિનની સમસ્યા સર્જાય તેમ છે. તેલ બનાવવામાં આવે તો ટકી શકે એવી સ્થિતિ નથી ઉપરાંત આયાતી તેલ સસ્તાં છે ત્યારે મિલો તેલની ધાર જોયા પછી નિર્ણય લેશે.
સૌરાષ્ટ્ર
ઓઇલ મિલર્સ એસોસીએશનના પ્રમુખ કિશોર વિરડીયા કહે છેકે, સૌરાષ્ટ્રમાં સીંગતેલનું ઉત્પાદન
કરનારી 200 કરતા વધારે મિલ છે. દશેરાથી ધીરે ધીરે પીલાણ શરું થતું હોય છે. દેવદિવાળીએ
તો મોટાંભાગની ચાલુ થઇ જતી હોય છે. જોકે આ વર્ષની પરિસ્થિતિ વિપરિત છે. તેલ મિલો કે
જે નાફેડના જૂની મગફળીથી ચાલે છે એ જ અત્યારે ઉત્પાદનમાં છે. નાફેડની મગફળી હવે મળવાનું
ઓછું થઇ ગયું છે એટલે એવી 15-20 મિલો પણ ઉત્પાદન ધીમું પાડી ચૂકી છે. નવી મિલો શરૂ
કરવા માટે અત્યારે મગફળીનો યોગ્ય ગુણવત્તાવાળો જથ્થો આવતો નથી.
તેમણે
કહ્યું કે, દિવાળી પહેલા નોરતા વખતે પણ મગફળી પલળી હતી. બાકી હતી તે પાછલા એક સપ્તાહના
વરસાદમાં પલળી છે. મગફળીમાં ભારે ભેજ આવવાને લીધે કાળી પડી ગઇ છે. ક્વોલિટી બગડી છે.
તાપ નીકળતો નથી એટલે મગફળીમાં આફ્લાટોક્સિનનો પ્રશ્ન સર્જાય છે. એમાંથી તેલ બનાવાય
તો તે ટકે નહીં એવી પરિસ્થિતિ છે. નબળી મગફળીનું તેલ બનાવાય તો તે સીધું વપરાશમાં લઇ
શકાય નહીં, રિફાઇન્ટ કરવું પડે. રિફાઇનીંગ કરવાનું ખર્ચ વદી જાય એટલે તેલ મિલો શરૂ
કરવા આગળ આવે તેમ નથી.
હવે
વ્યવસ્થિત તડકો પડે, મગફળીની આવક વધે, તેની ગુણવત્તા તપાસીને ઉતારા કાઢીને એફએફએ કેટલું
છે તે બધા પાસા જોઇને તેલ મિલો કામકાજનો આરંભ કરશે.મગફળીની સરકારી ખરીદી 1 નવેમ્બરથી
શરૂ થવાની હતી. જોકે પાકમાં બગાડને લીધે સરકારે
નાફેડ વતી થતી ખરીદી અટકાવી દીધી છે. મગફળી સહિતના પાકનો સર્વે પૂરો ન થાય ત્યાં સુધી
હવે ખરીદી અંગે જાહેરાત થાય એવી શક્યતા નથી. એ માટે કદાચ પંદરથી વીસ દિવસ પણ લાગી શકે.સરકારી
ખરીદીની અનિશ્ચિતતા વચ્ચે હવે તેલ મિલો ક્યારથી શરૂ થશે તે અંગે પણ દ્વીધા સર્જાઇ છે.
સીંગતેલના
ભાવ છેલ્લાં બે વર્ષથી તળિયે રહે છે ત્યારે નવી મોસમમાં કેટલા રહેશે તે અંગે વેપારીઓએ
જણાવ્યું કે, સારી મગફળી ન આવે તો સીંગતેલના ભાવ વધવાનું ચોક્કસ છે. એ જોતા અત્યારે
સીંગતેલ લૂઝનો ભાવ રૂ. 1385 છે તે આવનારા દિવસોમાં વધવાની શક્યતા છે.