• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

માધવપુરમાં યુવાન ઉપર છરી વડે થયો ખૂની હુમલો

માતા સાથે આડા સંબંધો રાખનાર શખસની પુત્રએ કરી હત્યાની કોશિશ

પોરબંદર, તા.પ: પોરબંદરના માધવપુર ગામે યુવાન ઉપર છરીવડે ખૂની હુમલો થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં ભોગ બનનારે હુમલો કરનારની માતા સાથે આડા સંબંધો રાખ્યા હોવાથી તેની સાથે થયેલા મનદુ:ખના કારણે પુત્રએ હત્યાની કોશિશ કર્યાનું જણાવાયું છે.

પોરબંદર નજીકના માધવપુર ગામે ચોપાટી નજીક ગણેશઝારા વિસ્તારમાં રહેતા યોગેશ શ્રવણ ભારતી નામના રપ વર્ષના યુવાને માધવપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, સવારે સાડા આઠ વાગ્યે તે પોતાના ઘરેથી માધવપુરની ચોપાટી પર મજૂરીકામ માટે જવા નીકળ્યો હતો. ત્યારે એ જ વિસ્તારનો આર્યન અમુભાઈ રાઠોડ ત્યાં ઉભો હતો. આથી રાહુલે યોગેશને ‘મારી માતાને રૂપિયા મોકલવાના છે એટલે મને 600-700 રૂ. ઓનલાઈન મોકલી આપ’ જેથી યોગેશ તેના મિત્ર રાહુલને ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરતો હતો તે દરમિયાન અચાનક જ આર્યન અમુ રાઠોડ ત્યાં ઘસી આવ્યો હતો અને યોગેશ સાથે કોઈપણ વાતચીત કર્યા વગર પેટના ભાગે છરીનો ઉંડો ઘા મારી દેતા તે લોહીલુહાણ હાલતમાં બુમાબુમ કરવા લાગ્યો હતો. મિત્ર રાહુલે બુમો પાડી યોગેશની માતા સવિતાબેનને બોલાવ્યા હતા તે દરમિયાન ફરિયાદી યોગેશને ચક્કર આવતા પડી ગયો હતો. જે બાદ માધવપુરના સરકારી દવાખાને લઈ ગયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

હોસ્પિટલે દાખલ થયા બાદ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં યોગેશ ભારતીએ હુમલો પાછળનું કારણ એવુ જણાવ્યું છે કે, તેને આર્યન રાઠોડની માતા સીતા ઉર્ફે ગોપી સાથે આડા સંબંધ હોવાથી એ વાતની આર્યનને ખબર પડી ગઈ હતી અને એક મહિના પહેલા યોગેશને આર્યન સાથે ઝઘડો થયો હતો તેથી તેનું મનદુ:ખ રાખીને હત્યાના ઈરાદે હુમલો કર્યા હોવાનું જણાવ્યું હતું.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક