• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

ગોંડલમાં ધોળે દિવસે પ્રૌઢના મકાનમાંથી રૂા.4.40 લાખની ચોરી

ગોંડલ, તા.5: ગોંડલના રૈયાણીનગરમાં ધોળે દિવસે રૂા.4.40 લાખના દાગીના રોકડની ચોરી થઈ હતી. વોરા કોટડા રોડ પર આવેલા રૈયાણીનગરમાં રહેતા નરેશભાઈ બટુકભાઈ જોષી (ઉ.55)એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.3ના રાત્રે તેઓ આઈસર ગાડીમાં ગોંડલના અલગ અલગ કારખાનામાંથી માલ ભરી ભાવનગર જવા માટે અને દીકરો પીયુષ તેની પાસે રહેલા આઈસરમાં માલ ભરી મહુવા જવા નીકળ્યો હતો. તેઓના પુત્રવધુ ક્રિષ્નાબેન તેના માતા-પિતાના ઘરે ગયા હતા. પત્ની કૈલાશબેન ઘરે એકલા હતા ત્યારે બપોરના દોઢેક વાગ્યા આસપાસ પત્ની કૈલાશબેને ફોન કરી ઘરમાં ચોરી થઈ હોવાની જાણ કરી હતી. બાદ તે રાત્રે ઘરે આવીને પત્નીને પુછતા વાત કરી કે, બપોરના સાડા બારેક વાગ્યે હું ઘરના મુખ્ય દરવાજામાં તાળુ મારી ઝાળી ખાલી બંધ કરી ડેલીને અંદરથી હાથ નાખી બંધ કરી વિનોદભાઈના ઘરે જમવા માટે ગઈ હતી. બપોરના દોઢેક વાગ્યે જમીને આવતા ડેલી અંદરથી ખુલ્લી અને ઘરમાં ઝાળી ખુલ્લી હતી અને મુખ્ય દરવાજાનું તાળુ તુટેલુ હતું. જેથી ઘરમાં જઈ જોતા માતાજી વાળા રૂમનો કબાટ ખુલ્લો અને સામાન વેર વીખેર પડેલો હતો. કબાટમાં રાખેલી શુટકેસ તેમજ તેમાં રાખેલા સોના-ચાંદીના દાગીના અને રૂા.20 હજાર રોકડા જોવા મળ્યા ન હતા. આથી ચોરી થઈ હોવાની ખબર પડી હતી. બનાવની જાણ કરતા પોલીસે અજાણ્યા શખસો ઘરમાં ઘુસી રૂા.4.40 લાખની માલમતા ચોરી ગયા હોવાની ફરિયાદ દાખલ કરી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક