ક્રાઇમ બ્રાંચની ટીમે આરોપીઓના ગુનાઇત ઇતિહાસના આધારે કાર્યવાહી કરી : બે શખસની શોધખોળ
રાજકોટ, તા.9: શહેરના મંગળા રોડ
પર પ્રગતિ હોસ્પિટલ પાસે ગત તા.28/10ના રોજ મધરાત્રે કુખ્યાત પેંડા ગેંગ અને મુરઘા
ગેંગ વચ્ચે ધાણીફૂટ ફાયરીંગના પ્રકારણમાં એસઓજીની ટીમે 17 આરોપીઓને પકડી લીધા હતા.
એક બીજા સાથે મળી સંગઠીત થઇ ગુના આચરતા પેંડા ગેંગના 17 સાગરીતો વિરૂધ્ધ ગુજસીટોકની
કલમ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી છે.
શહેરના મંગળા રોડ પર બે ગેંગ
વચ્ચે સામ સામે ફાયરીંગની ઘટનામાં એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ખુદ પોલીસે ફરિયાદી બની
પેંડા ગેંગ અને મુરઘા ગેંગના 11થી વધુ સાગરીતો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
બાદ આ બનાવની તપાસે એસઓજીને સોંપવામાં આવી હતી. એસઓજીના પી.આઇ. એસ.એમ. જાડેજા તથા ટીમે
આ પ્રકારણમાં કુખ્યાત પેંડા ગેંગ અને મુરઘા ગેંગના 17 સાગરીતોને પકડી ધરપકડ કરી હતી.
આ બંને ગેંગના સાગરીતો અવારનવાર એકબીજા સાથે મળી ગુના આચરતા હોવાથી પોલીસે આ ટોળકીને
નિયંત્રણમાં લેવા માટે તમામ શખસોને ગુનાહિત ઇતિહાસ મેળવ્યો હતો.
શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી કોઠારિયા
રોડ પર આશાપુરાનગર શેરી નં.9માં રહેતો રાજપાલસિંહ ઉર્ફે રાજા સુધીરસિંહ જાડેજા પોતાની
ગુનાહિત પ્રવૃતિ ચલાવવા માટે સાગરીતો સાથે મળીને ગેંગ બનાવી આ ગેંગ પેંડા ગેંગ તરીકે
ઓળખાય છે. આ ગેંગ દ્વારા 2015થી 2025 દરમિયાન શહેરના તથા આજુબાજુના જિલ્લામાં પોતાની
ધાક ઉભી કરવા માટે હથિયારો વડે હત્યા, હત્યાનો પ્રયાસ જાહેરમાં ફાયરીંગ કરી લોકોમાં
ભયનું વાતાવરણ ઉભુ કરી પોતાની ધાક જમાવે છે તેમજ ઘરમાં ઘુસી તોડફોડ કરી ધમકી આપવી,
ગેરકાયદેસર હથિયારનું તથા દારૂ અને ડ્રગ્સનું વેચાણ કરી સમાજમાં દૂષણ ફેલાવવું, છેડતી કરવી, ગેંગરેપ, બળાત્કાર તેમજ
લૂંટ જેવા અનેક ગુનાઓ આચરવામાં આવે છે. જેથી આરોપીઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરી આ ટોળકી
દ્વારા આચરવામાં આવતા ગુનાઓ અટકાવવા જરૂરી હોઇ તેથી આ ગેંગના રાજપાલસિંહ ઉર્ફે રાજા
સુધીરસિંહ જાડેજા તથા તેના સાગરીતો મળી 17 આરોપીઓ
વિરૂધ્ધ તેના ગુનાહિત ઇતિહાસના આધારે પોલીસે ધી ગુજરાત કંટ્રોલ એફ ટેરરીઝમ એન્ડ
ઓર્ગેનાઇઝ ક્રાઇમ (ગુજસીટોક) એકટની કલમ મુજબ 17 આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો
છે. જેમાં રાજયપાલસિંહ સુધીરસિંહ જાડેજા અગાઉ હત્યા, હત્યાની કૌશિષ, રાયોટ સહિત 11
ગુનામાં તથા હર્ષદસિંહ આત્યકિસિંહ ઝાલા અગાઉ રાયોટ, એટ્રોસીટી અને મારામારી સહિતના
સાત ગુનામાં પરીક્ષિત ઉર્ફે પરેશ ઉર્ફે પરીયો
રાજુભાઇ બળદા અગાઉ હથિયાર, રાયોટ, મારામારી અને ધમકી સહિત સાત ગુનામાં,જીજ્ઞેશ ઉર્ફે
ભયલુ દિનેશભાઇ રાબા અગાઉ હથિયાર, રાયોટ, મારમારી સહિત 11 ગુનામાં, પરિમલ ઉર્ફે પરીયપ
ત્રિભોવનભાઇ સોલંકી અગાઉ હથિયાર, હત્યાની કૌશિષ, મારામારી સહિત ચાર ગુનામાં, ચંદ્રેશ
ઉર્ફે ચંદો બાબુભાઇ ગોહેલ અગાઉ રાયોટ અને મારામારી સહિત ત્રણ ગુનામાં દિનેશ ઉર્ફે કાંચો
સંજયભાઇ રમટા અગાઉ હથિયાર, મારામારી સહિત આઠ ગુનામાં, જૈવીક ઉર્ફે મોન્ટુ દિલીપભાઇ
રોજાસરા અગાઉ હથિયાર, મારામારી સહિત ચાર ગુનામાં , કમલેશ વજુભાઇ મેતા અગાઉ હથિયાર સહિત
ત્રણ ગુનામાં, દિનેશ ઉફેં બચુ ઉર્ફે મોટી ટિકીટ અરવિંદભાઇ ગોહેલ અગાઉ મારામારી, રાયોટ
તથા ચીલ ઝડપ સહિત દસ ગુનામાં, રણજીત ઉર્ફે કાનો ટિકીટ અરવિંદભાઇ ગોહેલ અગાઉ હત્યાની
કૌશિષ, મારમારી અને ધમકી સહિત દસ ગુનામાં, જીજ્ઞેશ ઉર્ફે બાવકો ઉફેં નાની ટિકીટ અરવિંદભાઇ
ગોહેલ અગાઉ હત્યાની કૌશિષ, મારમારી સહિત નવ ગુનામાં ચિરાગ ઉર્ફે બકાલી રાજેશભાઇ મકવાણા
અગાઉ હથિયાર, હત્યાની કૌશિષ, રાયોટ અને મારામારી સહિત આઠ ગુનામાં તથા હિતેન્દ્રસિંહ
ઉર્ફે હકો કડી ભુપતસિંહ જાડેજા અગાઉ બળાત્કાર, મારામારી સહિત સાત ગુનામાં, સંજયસિંહ
ઉર્ફે ચિન્ટુ મહેન્દ્રસિંહ ઉર્ફે જગતસિંહ ઝાલા અગાઉ હથિયાર, રાયોટ અને મારામારી સહિત
છ ગુનામાં સંડોવાયેલા છે. જ્યારે આ ગેંગમાં અન્ય બે સાગરીતોની શોધખોળ હાથ ધરી છે.