• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

ગિર સોમનાથમાંથી એકત્ર પોણા બે કરોડની રકમ વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ

મિત્ર પાસેથી લોન લેવા માટે લીધેલા બેંક એકાઉન્ટનો દુરૂપયોગ કરી એક દિવસમાં રૂ.1.71 કરોડના ટ્રાન્જેક્શન કર્યા હોવાનું સામે આવ્યું

સાયબર પોલીસે અમરેલી અને જૂનાગઢ જિલ્લાના પાંચ આરોપીઓની અટક કરી પૂછપરછ હાથ ધરી

વેરાવળ, તા. 9: ગિર સોમનાથમાંથી સાયબર ફ્રોડ દ્વારા એકત્ર કરાયેલ કરોડોની રકમ બારોબાર વિદેશ મોકલવાના ષડયંત્રનો પર્દાફાશ જિલ્લા સાયબર પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. આ કૌભાંડમાં સામેલ અમરેલી અને જૂનાગઢ જિલ્લાના સૂત્રધાર સહિત પાંચ શખસની પોલીસ દ્વારા અટક કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે આગામી દિવસોમાં આ મામલે તપાસ આગળ વધતા મોટા ઘટસ્ફોટ થવાની શકયતા પોલીસ વ્યક્ત કરી રહી છે.

 આ અંગે સાયબર પોલીસના પીઆઈ એસ.વી.રાજપૂતે જણાવ્યું હતું કે, તાલાલાના ઘૂસિયાના નિકુલ રામભાઈ રામના સૂત્રાપાડા રહેતા મિત્ર નકુલ કાનાભાઈ રામને લોન લેવી હોવાથી બેંક એકાઉન્ટ આપવા મદદ માગી હતી. જેથી મિત્રતાના નાતે નિકુલે પોતાનું જઇઈં બેંક ખાતાની માહિતી, ચેકબુક, એ.ટી.એમ. કાર્ડ તથા રજીસ્ટર્ડ મોબાઈલ નંબરનું સીમ કાર્ડ આપ્યું હતું. થોડા દિવસ બાદ આપેલ બેંક ખાતામાં મોટી રકમની લેવડ દેવડ થતી હોવા અંગે બેંક તરફથી મેઈલ આવ્યા હતા. જે અંગે નિકુલને શંકા જતા જિલ્લા સાયબર પોલીસને અરજી કરી હતી. જેના આધારે તપાસ કરતા નિકુલના ખાતામાં એક જ દિવસમાં આશરે રૂ.1.71 કરોડની રકમના ટ્રાન્જેક્શનો થયેલા હોવાનું જાણવા મળતા પોલીસ ચોકી ઉઠી હતી. 

 આ અંગે ખાતાધારક અને તેના મિત્ર નકુલને પોલીસે બોલાવી પુછપરછ કરતા જૂનાગઢનો ઉત્સવ ભરત સાગઠિયા લોન અપાવના બહાને બેંક ખાતાની તમામ વિગતો લઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. જેના આધારે ઉત્સવની અટક કરી પૂછપરછ કરતા વસીમ ઉમર શેખ (રહે. સાવરકુંડલા), હિતેષ કિશોર કીડિયા (રહે. બાબરા), આયુષ ભરત ડેર (રહે. લાઠી), ભટ્ટી મુબિન જીભાઈ (રહે. સાવરકુંડલા)વાળાઓએ એકસંપ કરીને ખાતું મેળવી એક જ દિવસમાં આશરે રૂ.1.71 કરોડની રકમના ટ્રાન્જેક્શનો કર્યા હતા.

 આ પાંચેય શખસની અટક કરી પુછપરછ હાથ ધરવામાં આવી છે. આ રકમ ક્યાંથી આવી અને ક્યાં મોકલવામાં આવી તેની વિગતો બેંક પાસેથી માંગવામાં આવી છે. આ કરોડોની રકમ સાયબર ક્રાઈમની હોવાનું અને અનેક ખાતાઓ મારફત વિદેશ મોકલવામાં આવી રહી હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક