પોન્ઝી સ્કીમમા 36 રોકાણકારો ભોગ બન્યા, ધ બીગબુલ ફેમિલી નામની પોન્ઝી સ્કીમ ચલાવતા સંચાલક સહિતના લોકો સામે ગુનો, એક મહિલા સહિત બેની ધરપકડ
અમદાવાદ,
તા. 10: સાબરકાંઠાના હિંમતનગરમાં પોન્ઝી સ્કીમ દ્વારા કરોડો રૂપિયાની છેતરાપિંડી કરવામાં
આવી હોવાની ઘટના સામે આવી છે. જેમાં અલગ-અલગ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાનું કહીને
હિંમતનગરમાં 36 જેટલાં લોકોને છેતરવામાં આવ્યા હોવાની હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં
ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર મામલે પોલીસે શહેરમાં ધ બીગબુલ ફેમિલી નામની પોન્ઝી સ્કીમ
ચલાવતા સંચાલક સહિતના લોકો સામે ગુનો નોંધીને એક મહિલા સહિત બે આરોપીની ધરપકડ કરી છે.
પોલીસે રોકાણકારોના નિવેદનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાજ્યમાં
પોન્ઝી સ્કીમોનો જાણે રાફડો ફાટયો હોય એમ એક બાદ એક પોન્ઝી સ્કીમોની ઘટના સામે આવી
રહી છે. તેવામાં હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ધ બીગબુલ ફેમિલીના સંચાલક સહિત
બે લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ ફરિયાદ મુજબ, આરોપીઓ દ્વારા બેંકો અને
નાણાકીય સંસ્થાઓ કરતાં ઊંચું વ્યાજ આપવાની લોભામણી જાહેરાતો કરીને 36 જેટલાં રોકાણકારો
પાસેથી 1.44 કરોડથી વધુ રૂપિયાનું રોકાણ કરાવ્યું હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ
રોકાણકારોને મૂડી અથવા વળતર ન ચૂકવી છેતરાપિંડી આચરી હોવાનું ભોગ બનનારા લોકોને ખ્યાલ
આવતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
સમગ્ર
મામલે પોલીસે રોકાણકારોના નિવેદન નોંધ્યા છે અને પોન્ઝી સ્કીમ થકી છેતરાપિંડી કરનારા
6 આરોપી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા બે આરોપીની પૂછપરછ
હાથ ધરવામાં આવી છે. તેવામાં હજુ પણ અનેક રોકાણકારો સાથે છેતરાપિંડી થઈ હોવાનું સામે
આવે તેવી શક્યતા છે, ત્યારે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.