અમદાવાદ, તા.30: અમદાવાદ સહિત રાજ્યમાં ઓનલાઈન છેતરાપિંડીના બનાવોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે ઓનલાઈન જાહેરાત જોઈ મકાન ખરીદારા લોકોને ચેતવા જેવો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં વેજલપુર વિસ્તારમાં રહેતા યુવકને ફેસબુક પર મકાન વેચાણની જાહેરાત જોઈને ડીલ કરવી ભારે પડી છે. ફેસબુક માર્કેટપ્લેસ પરથી મકાન ખરીદવાની પ્રક્રિયામાં યુવક પાસેથી 10 લાખ રૂપિયા લઇ અંતે મકાન આપવાનો ઇનકાર કરી છેતરપિંડી આચરનાર માતા-પુત્ર સામે ફરિયાદ નોંધાઈ છે. જાણવા મળતી વિગત મુજબ વેજલપુરમાં રહેતા મયુર મહેતાએ ફેસબુક માર્કેટપ્લેસ પર વાસણા વિસ્તારમાં આવેલા શ્રેયશ એપાર્ટમેન્ટ, મકાન નંબર એફ/4ના વેચાણની જાહેરાત જોતા તેણે મિતેષ ધ્રુવનો સંપર્ક કર્યો. રૂબરૂ મુલાકાતમાં મિતેષે જણાવ્યું હતું કે મકાન તેની માતા ગીતાબેન ધ્રુવના નામે છે. ત્યારબાદ બન્ને વચ્ચે 20.50 લાખમાં મકાન વેચાણનો સોદો થયો હતો અને રૂ. 50 હજાર એડવાન્સ આપ્યા હતા. બાદમાં કટકે-કટકે વધુ રૂ.4 લાખ આપ્યા હતા.
ત્યાર
બાદ મિતેષે દિવાળી 2024 પહેલા બાકીની રકમ ચૂકવવાનું જણાવતાં મયુરે પોતાનું બીજું મકાન
વેચી અને પીએફમાંથી રૂપિયા ઉપાડી રૂ.5.50 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આમ કુલ
10 લાખ રૂપિયા એડવાન્સ ચુકવ્યા બાદ આરોપી મકાન આપવા ટાળતો હતો. જ્યારે બાનાખત મુજબ
મકાનના કાગળો અને કબજાની માગ કરવામાં આવી ત્યારે આરોપીએ જુલાઈ 2025 સુધી રાહ જોવાનું
કહ્યું. સમય વીતી જતાં પણ કાગળો નહીં આપતા અને નવી બેંક વિગતો આપ્યા બાદ અંતે આરોપીએ
મકાન આપવાનો ઈનકાર કરી દેતા મયુરે વાસણા પોલીસ સ્ટેશનમાં મિતેષ ધ્રુવ અને તેની માતા
ગીતાબેન ધ્રુવ સામે છેતરાપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
છે.