રાજકોટ, તા. 30: અમદાવાદમાં પત્ની સાથે ઝઘડો થયા બાદ સસરાના ઘરે પહોંચેલા પતિએ કારમાંથી રિવોલ્વર અને બંદૂક કાઢી એક પછી એક છ રાઉન્ડ ફાયરિંગ કરતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસે ફાયારિંગ કરનાર રાહુલ સોની નામના શખસની અટકાયત કરી હતી.
વિજય ચાર રસ્તા પાસે આવેલી સુભાષ સોસાયટીના બંગલા
નંબર 16માં રાહુલ સોનીના સાસરીયા પક્ષના લોકો રહે છે. આરોપી રાહુલની પત્ની તેના પિતાના
ઘરે આવી હતી તે દરમિયાન પતિ-પત્ની વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. જેમાં પતિ રાહુલે એક પછી
એક છ રાઉન્ડ ફાયારિંગ કર્યું હતું. રાહુલે એક રિવોલ્વર અને બાર બોરની બંદૂકથી છ રાઉન્ડ
ફાયારિંગ કર્યું હતું.
આ ઘટનાની
જાણ થતાં જ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ફાયારિંગ કરનાર રાહુલ
સોનીની અટકાયત કરી હતી. પોલીસે રાહુલના સસરા, જે ફરિયાદી છે તેમને સાથે રાખીને વીડિયોગ્રાફી
સાથે પંચનામું કર્યું હતું. આરોપી બાર બોરની બંદૂક અને રિવોલ્વર કારની સીટ પર મૂકીને
આવ્યો હતો. ઘટનાસ્થળેથી પોલીસને ફાયારિંગ કરાયેલી ખાલી કારતૂસ મળી આવી હતી. આ મામલાથી
સમગ્ર વિસ્તારમાં ચકચાર જાગી છે. અને પોલીસે એફએસએલ સહિતની ટુકડીઓને તપાસમાં જોડીને
આગળની કાર્યવાહી હાથ ધરી છે.