• શનિવાર, 17 જાન્યુઆરી, 2026

ગોંડલમાં ડેપ્યુટી કલેકટર કચેરીને ઉડાવી દેવાની ધમકી પોકળ પુરવાર

ત્રણ સિલિકોન બોમ્બ મુક્યા છે : ઈમેઈલ મળતા કલેકટર અને પોલીસતંત્રમાં દોડધામ મચી ગઈ

ગોંડલ, તા.9: ગોંડલની ડેપ્યુટી કલેકટર કચેરીમાં બોમ્બ મુક્યાનો ઈમેઈલ મળતા કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ પોલીસને કરાતા ડોગ સ્કવોડ સાથે પોલીસ કાફલો દોડી આવી કચેરીનાં ખુણે ખુણામાં સઘન ચેકિંગ કર્યુ હતુ. પણ ક્યાંય બોમ્બ મળી ન આવતા કર્મચારીઓએ હાશકારો અનુભવ્યો હતો.

ડેપ્યુટી કલેકટર રાહુલ ગમારા અને અન્ય અધિકારીઓ રાજકોટ વાઈબ્રન્ટ સમિટમાં હતા. દરમ્યાન કોમ્પ્યુટર ઓપરેટર શૈલેષભાઈ વિરાણી રોજીંદા ક્રમ મુજબ ઈમેઈલ ચેક કરી રહ્યા હતા ત્યારે એક મેઈલ જોઈ ચોંકી ઉઠયા હતાં. મેઈલમાં લખ્યુ હતુ કે, ‘મદુરાઈ મસ્જિદને ખલેલ પહોંચાડતા નહી 3 સિલિકોન બોમ્બ મુક્યા છે’ શૈલેષભાઈએ તુરંત ડેપ્યુટી કલેકટર ગમારાનું ધ્યાન દોરી તેમની સુચના મુજબ પોલીસને જાણ કરી હતી. અજાણ્યા ઈમેઈલ બાદ રાજકોટથી એસઓજી ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની હતી. ધમકી ડેપ્યુટી કલેકટર કચેરીના સત્તાવાર મેઈલ આઈડી પર મોકલવામાં આવી હતી. ધમકી મળતાની સાથે જ ગોંડલ શહેર પોલીસનો કાફલો તાત્કાલિક કચેરીએ પહોંચ્યો હતો અને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકોટથી પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને વિવિધ બ્રાન્ચની ટીમો ગોંડલ દોડી આવી હતી. રાજકોટ રૂરલ એસઓજીની ટીમ સહિત અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા સમગ્ર બિલ્ડિંગનું ઝીણવટભર્યુ ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. અને સુરક્ષાના કારણોસર કચેરીની આસપાસનો વિસ્તાર કોર્ડન કરવામાં આવ્યો હતો પરંતુ કોઈ જગ્યાએ બોમ્બ નજરે પડયો ના હતો. આ મેઈલ ક્યાંથી આવ્યો અને કોણે મોકલ્યો તે દિશામાં સાયબર ક્રાઈમની મદદથી સઘન તપાસ તેજ કરવામાં આવી છે.

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક